ડીસા પાલિકામાં ભાજપના 18 સભ્યોના (ના) રાજીનામાં
ઉપપ્રમુખ, શાસક પક્ષના નેતા સહિત વિવિધ સમિતિઓના ચેરમેનોએ રાજીનામાં આપતા ગરમાવો
પ્રમુખ મનસ્વી રીતે વહીવટ ચલાવતા અને સદસ્યોના કામ ન કરતા હોવાનો ગંભીર આક્ષેપ
ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી ચાલતો આંતરિક જૂથવાદ હવે પરાકાષ્ટા વટાવી ગયો છે. પાલિકા પ્રમુખ મનસ્વી રીતે વહીવટ ચલાવતા હોઇ તેમજ સભ્યોની રજૂઆતો સાંભળી તેઓના કામ કરતાં ન હોવાના આક્ષેપ સાથે પાલિકામાં ઉપપ્રમુખ, વિવિધ સમિતિઓના ચેરમેન અને શાસક પક્ષના નેતા સહિત 18 જેટલા સભ્યોએ શહેર ભાજપ કાર્યાલયે પોતાના રાજીનામાં આપ્યા હતા.
ડીસા નગરપાલિકામાં એક વર્ષ અગાઉ બીજા ટર્મમાં પ્રમુખ -ઉપપ્રમુખની વરણી થયા બાદ ભાજપમાં રીતસરના બે જૂથ પડી ગયા હતા.જેમાં વર્તમાન ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તેમજ પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાના જૂથમાં સભ્યો વહેંચાઈ ગયા હતા. ત્યારથી ડીસા નગર પાલિકામાં આંતરિક જૂથવાદ ચાલી રહ્યો છે. જેથી વર્તમાન પ્રમુખ સંગીતાબેન દવેને હટાવવા એક જૂથ છેલ્લા કેટલાય સમયથી સક્રિય પ્રયાસો કરી રહ્યું હતું અને પાલિકા પ્રમુખ મનસ્વી રીતે વહીવટ ચલાવતા હોવાનું તેમજ સભ્યોની રજૂઆતો સાંભળવામાં ન આવતી હોવાની અને તેમના કામો થતા ન હોવાના આક્ષેપ સાથે છેક પ્રદેશ મોવડી મંડળ સુધી રજૂઆત કરી હતી.
ત્યારબાદ છેલ્લા વીસેક દિવસથી પાલિકા પ્રમુખને ફરજીયાત રજા ઉપર ઉતારી દઈ ઉપપ્રમુખને તેમનો ચાર્જ આપવા પણ આ નારાજ જૂથ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.પરંતુ તે બાબતે કોઈ નિર્ણય ન આવતા આખરે આજે પાલિકાના ઉપપ્રમુખ, શાસક પક્ષના નેતા સહિત વિવિધ સમિતિઓના ચેરમેનો અને સદસ્યોએ ડીસા શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ મહામંત્રી અશોકભાઈ પટેલને પોતાના રાજીનામાં સુપ્રત કર્યા હતા.જેને લઈ રાજકીય ગરમાવો સર્જાયો છે.
અમારી કોઈ રજૂઆત સાંભળવામાં આવતી નથી : શૈલેષભાઈ રાયગોર, ઉપપ્રમુખ ડીસા નગરપાલિકામાં પ્રમુખ દ્વારા મનસ્વી રીતે વહીવટ ચલાવવામાં આવે છે હું ઉપપ્રમુખ હોવા છતાં જનરલ બોર્ડ અને અન્ય કોઈ બાબતે અમને વિશ્વાસમાં લેવામાં આવતા નથી.તેવો આક્ષેપ કર્યો હતો.
પ્રમુખે કોઈ દિવસ સંકલન કર્યું નથી : વાસુભાઈ મોઢ, શાસક પક્ષના નેતા આજે કુલ 18 સભ્યોએ પોતાના રાજીનામાં સુપ્રત કર્યા છે. પ્રમુખે કોઈની વાત સાંભળી નથી કે શાસક પક્ષના નેતા સહિત કોઈ સભ્ય સાથે સંકલન કર્યું નથી. ચોમાસુ હોવા છતાં પાલિકામાં દવાઓ નથી. વહીવટ પણ ખાડે ગયો છે.
અમે રાજીનામા જિલ્લા કાર્યાલયે મોકલાવીશું : અશોકભાઈ પટેલ , મહામંત્રી, ડીસા શહેર ભાજપ પાલિકાના નારાજ સભ્યોએ અગાઉ રજૂઆત કરતા અમે પ્રદેશ કક્ષાએ પણ રજૂઆત કરી હતી.જ્યારે આજે શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ કામકાજ અર્થે બહાર હોઇ તેઓએ જણાવતા તમામ સભ્યોના રાજીનામાં લેવામાં આવ્યા છે. જે અમે પાર્ટીની જિલ્લા ઓફિસે મોકલાવીશું.