ખેમાણામાં ગૌમાતા પર એસિડ એટેક કરનાર નરાધમ ઝડપાયો સરઘસ કાઢતી પોલીસ
અબોલ ગૌવંશ પર એસિડ એટેક કરનારનું સરઘસ કાઢતી પોલીસ: પાલનપુરના ખેમાણા ગામ પાસે અબોલ ગાયો પર એસિડ એટેક કરનાર શખ્સને પાલનપુર તાલુકા પોલીસે ઝડપી પાડી જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. પાલનપુરના ખેમાણા ટોલનાકા પાસે છેલ્લા કેટલાય દિવસોથી અલગ અલગ 10 ગાયો ઉપર એસિડ નાખનારા શખ્સને પાલનપુર તાલુકા પોલીસે ઝડપી લઇ તેની સામે પશુ કૃરતા નિવારણ અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પાલનપુર આબુ હાઇવે ઉપર ખેમાણા ટોલનાકા પાસે જુદી જુદી ગાયો ઉપર એસિડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ અધમ કૃત્યથી જીવ દયા પ્રેમીઓ માં ભારે આક્રોશ ફેલાયો હતો. જેને લઈને એસિડ નાખનારા શખ્સને ઝડપી લેવા ઉગ્ર માંગ ઉઠવા પામી હતી.
દરમિયાન, પાલનપુર તાલુકા પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ ચેક કરી શોધખોળ કરી આ શખ્સને ઝડપી લીધો હતો. આ અંગે પાલનપુર તાલુકા પીઆઈ એમ. આર.બારોટે જણાવ્યું હતું કે, જે સ્થળે ગાયો ઉપર એસિડ નાખવામાં આવ્યું હતું. તેની આજુબાજુના ખેતરોમાં તપાસ કરી હતી. હ્યુમન સોર્સના આધારે આખરે ખેમાણા ટોલનાકા નજીક રહેતા સુરેશભાઈ પરસોત્તમભાઈ પટેલને ઝડપી લેવાયો હતો. જેનું જાહેરમાં સરઘસ કાઢી સબક શીખવાડવામાં આવ્યો હતો. તેમજ તેની સામે પશુ કૃરતા નિવારણ અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.