
ડીસામાં આજે ગૃહ મંત્રીની ઉપસ્થિતિમાં સર્વોદય સંકુલનો નામકરણ મહોત્સવ
કેળવણી નગરી તરીકે વિકાસ પામી રહેલા ડીસા શહેરમાં વાણિજય વિનયન અને કાયદા ક્ષેત્રના અભિયાસ માટે કાંટ ખાતે આધુનિક સર્વોદય સંકુલ નિર્માણ પામ્યું છે. જેમાં મુખ્ય દાતા દિનેશચંદ્ર આર. અગ્રવાલ અને જગદીશચંદ્ર આર.અગ્રવાલના નામકરણ સમારોહ આજરોજ યોજાનાર છે. જે પ્રસંગે ઉદ્ઘાટક તરીકે ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી અને સમારોહના અધ્યક્ષ તરીકે પ્રકાશભાઈ સંઘવી ખાસ ઉપસ્થિત રહેનાર છે. બનાસકાંઠા જિલ્લાના ડીસાના કાંટ ગામે આવેલ સર્વોદય સંકુલના રજત જ્યંતિ મહોત્સવ અને નામકરણ પ્રસંગે આજે રાજ્યના ગૃહમંત્રી સહીત દાતાઓ અને રાજકીય નેતાઓ ઉપસ્થિત રહેનાર છે. ડીસાના કાંટ ખાતે કાર્યરત સર્વોદય વિદ્યા સંકુલ જે ગરીબ અને વિધવા મહિલાઓના દીકરા દીકરીઓને મફતમાં અભ્યાસ સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે.શિક્ષણની સુવાસ રેલાવતા સંકુલને આજે પચીસ વર્ષ પૂર્ણ થતાં રજત જ્યંતી મહોત્સવ અને આ સંકુલના નામકરણ વિધિ માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રકાશ સંઘવી, નામકરણના દાતા દિનેશચંદ્ર અગ્રવાલ, બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવડીયા સહીત રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે.આ વિધા સંકુલમાં ભૂતપૂર્વ વિધાર્થીઓનું મિલન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. જેને લઈને અગાઉથી ચાલતી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ડીસાના કચ્છી કોલોની વિસ્તારથી શ્રેષ્ઠ શિક્ષણની શરૂઆત થઈ અને બાદમાં સંકુલને વિસ્તારવા તેમજ વધુ સવલતો માટે ટ્રસ્ટ દ્વારા ડીસાના કાંટ ગામે જમીન સંપાદન કરવામાં આવી. હાલમાં કાંટ ખાતે આ ટ્રસ્ટ વિશાળ કેમ્પસ ધરાવે છે અને ધોરણ ૧ થી ૧૨ની શાળા તેમજ આર્ટસ, કોમર્સ અને લો ફેકલ્ટીની કોલેજ પણ ચલાવે છે. વર્ષ ૧૯૯૭માં સંસ્થા ની શરૂઆત થઈ ત્યારે ૧૧ વિધાર્થીઓ અને ૧ શિક્ષક હતા. અને અત્યારે વર્ષ ૨૦૨૩માં સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટમાં ૯૦ થી વધુનો કર્મચારીઓનો સ્ટાફ છે અને ૩ હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી
રહ્યા છે.