
પાલનપુર નજીક વધુ બે રેલ યાત્રીના મોબાઈલ ચોરાયા
(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, પાલનપુર વિસ્તારમાં પસાર થતી રેલવે માં મુસાફરોના મોબાઈલ સહિતની ચીજ વસ્તુઓની ચીલઝડપ અને ચોરીના વધતા જતા બનાવો વચ્ચે વધુ બે રેલ યત્રીના મોબાઇલની ચોરી થઇ છે. જેમાં ટ્રેનના દરવાજામાં વાતો કરતા એક મુસાફરને પથ્થર મારતા મોબાઈલ નીચે પડી જ્તા અજાણ્યો ઇસમ મોબાઈલ લઇ ભાગી છૂટયો હતો. જ્યારે બીજા બનાવમાં એક મુસાફર ટ્રેનમા નીંદર માણી રહ્યો હતો. ત્યારે કોઈ અજાણ્યો ઇસમ આ મુસાફરના મોબાઇલની ચોરી કરી પલાયન થઇ ગયો હતો.
મહેસાણાના સોમનાથ રોડ પર આવેલ સોમનાથ બંગ્લોઝમાં રહેતો જૈમિન કુમાર ભુપેન્દ્રભાઈ શાહ નામનો યુવક તેના મિત્ર સાથે મહેસાણાથી અરવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાં આબુરોડ જવા નીકળ્યા હતા. દરમ્યાન ટ્રેન પાલનપુર રેલ્વે સ્ટેશન નજીક આવતા આ યુવક ટ્રેનના દરવાજામાં મોબાઈલ પર વાત કરી રહ્યો હતો. ત્યારે એક અજાણ્યા યુવકે આ મુસાફરને પથ્થર મારતા તેનો રૂ.૧૦ હજારની કિંમતનો મોબાઈલ તેમજ મોબાઈલના કવરમાં રાખેલ પાંચ હજાર નીચે પડી જતા અજાણ્યો યુવક મોબાઈલ સહિત પંદર હજારની મત્તા લઇ ને નાસી છૂટ્યો હતો.
જ્યારે બીજા બનાવમાં રાજસ્થાનના જાલોર જિલ્લાના પારીવાલા ગામનો યુવક જવાઈ બંધ રેલવે સ્ટેશન થી બાંદ્રા ટર્મીનલ ટ્રેનમાં મુંબઇના બોરીવલી જઈ રહ્યો હતો. દરમ્યાન પાલનપુર નજીક રાત્રિના સમયે આ મુસાફર નીંદર માણી રહ્યો હતો. ત્યારે કોઈ અજાણ્યો તસ્કર આ મુસાફરનો રૂ.૧૭૪૯૯ની કિંમતના મોબાઈલ ની ચોરી કરી પલાયન થઇ ગયો હતો.