
ડીસાના ધારાસભ્ય ઓસ્ટ્રેલિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
ભારત અને ઓસ્ટ્રેલિયાના નેતાઓ વચ્ચેના વિનિમય કાર્યક્રમ અંતર્ગત ઓસ્ટ્રેલિયાની મુલાકાતે જઈ રહેલ ભારતના સાત રાજ્યોના ધારાસભ્યના ડેલીગેશનમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી ભાગ લેશે. પ્રવીણ માળી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વિવિધ સરકારી અને સંસ્થાકીય કાર્યક્રમમાં પણ જાેડાશે. રાજધર્મ ફાઉન્ડેશનના સહયોગથી એસએપી ગ્લોબલ દ્વારા તારીખ ૨૭/૦૫/૨૦૨૩ થી ૨૯/૦૫/૨૦૨૩ દરમિયાન મેલબોર્ન (ઑસ્ટ્રેલિયા) ખાતે ત્રણ દિવસીય લેજિસ્લેટર એજ્યુકેશન કાર્યક્રમનું આયોજન કરી રહી છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારતના સાત રાજ્યોના ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં ગુજરાતમાંથી ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમનું આયોજન ભારતીય ધારાશાસ્ત્રીઓને કાયદા ઘડતર, સુશાસન અને જાહેર નીતિ અંગે અનુભવ પ્રદાન કરવા માટે કરવામાં આવ્યું છે. આ પ્રવાસ દરમિયાન પ્રવીણ માળી દ્વારા ઓસ્ટ્રેલિયન ધારાસભ્યોની મુલાકાત કરશે અને શૈક્ષણિક સત્રોમાં ભાગ લેવાની સાથે જ કાયદાકીય પ્રક્રિયા વિશે સમીક્ષા પણ કરશે. પ્રવીણ માળી દ્વારા આ આયોજન અંતર્ગત વિક્ટોરિયન સંસદ અને અન્ય સરકારી ઇમારતોની મુલાકાત લેવામાં આવશે તદુપરાંત ઓસ્ટ્રેલિયામાં કાયદાકીય પ્રક્રિયા વિશે જાણકારી પ્રાપ્ત કરશે. સાથે સાથે કૃષિ ક્ષેત્રમાં, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ૨ એપ્રિલ ૨૦૨૨ ના રોજ હસ્તાક્ષર કરાયેલ અને ૨૯ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજથી અમલી બનેલ ‘મુક્ત વેપાર કરાર’ હેઠળ બંને દેશોના ખેડૂતો લાભ લઈ શકે તે માટે ચર્ચા વિચારણા કરશે. આ ઉપરાંત ઑસ્ટ્રેલિયામાં અનાજની સફાઈમાં સામેલ પ્રક્રિયાઓ અને બંને દેશો વચ્ચેના તફાવતને સમજવા માટે ટ્રૂગાનિનામાં એગ્રો ફૂડ યુનિટની મુલાકાત કરશે. તે ઉપરાંત, ઓસ્ટ્રેલિયન બિઝનેસ એસોસિએશનો અને કન્સલ્ટન્સી ફર્મ્સના પ્રતિનિધિ સાથે મીટિંગ ભાગ લેશે અને વિક્ટોરિયા ગ્લોબલના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરવામાં આવશે. વધુમાં આ વિદેશ યાત્રા દરમિયાન પ્રવીણ માળી એઆઈબીસી દ્વારા આયોજિત બેઠકમાં તેમના પ્રતિનિધિઓ સાથે બેઠકમાં ભાગ લેશે અને પીપીઆર ટેક્સ અને બિઝનેસ સલાહકારો સાથે મીટિંગમાં પણ ભારત તરફથી ભાગ લેશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં “આયુષ”ના વડા સાથે અને આયુર્વેદિક પ્રેક્ટિશનરો સાથે પણ ધારાસભ્યની મુલાકાતનું આયોજન કરવામા આવ્યું છે. તદુપરાંત,વિલિયમ પાર્ટનર્સ (લો ફર્મ) સાથે મીટિંગ કરવામાં આવશે.