‘ભાજપ પ્રત્યે પ્રેમ’ હોવાથી સદસ્યોને ચુંટ્યા,પણ હવે લમણોય વાળતા નથી
થરાદમાં વોર્ડ નંબર-૬માં રહીશોએ તેમની તકલીફો પ્રત્યે ધ્યાન દોરવા બાબતે ધારાસભ્યને લેખિત રજુઆત કરી હતી. જેમાં રહીશોએ ભાજપ પર પ્રેમ હોવાથી અને સદસ્યો ભાજપથી પણ પહેલા હોવાથી તેમને ચુંટીને લાવેલ છે,પરંતુ તેઓ વિસ્તારમાં મુલાકાતે પણ આવતા નથી તેવો રોષ વ્યક્ત કર્યો હતો. થરાદમાં થાંણાશેરી, જૈન ધર્મશાળા પાસે, ખોડીયાર મંદિર ચોકમાં રહેતા મહોલ્લાના રહીશોએ કેટલાક સમયથી શેરીમાં ઉભરાતી ગટરલાઈન અંગે ધારાસભ્ય શંકરભાઇ ચૌધરીને લેખિત રજુઆત કરી હતી.જેમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી ગટર ઉભરાય છે, ચાર-પાંચ મહિનાથી ગંદા પાણીની રેલમ-છેલ થઈ જાય છે, જે અમારા સર્વેના આરોગ્યને નુકશાનકર્તા છે.
વારંવાર ચીફ ઓફિસર તથા નગરપાલિકા વોર્ડના સભ્યોને ધ્યાન દોરવા છતાં કોઇ નિકાલ લાવી શકયા નથી. તદુપરાંત શેરીમાં છેલ્લા ૪-૫ વર્ષથી મોટર સિવાય પાણી આવતું નથી. લાઇટ(એનર્જી) તથા સંપતિ બન્નેનો વ્યય થવાની સાથે સાથે હેરાન ગતિ પણ થાય છે. આ બાબતે પણ મૌખિક રજુઆત કેટલીય વાર કરી ચુક્યા છતાં તેમના પ્રત્યે બેદરકારી રાખતા સભ્યો વિસ્તારમાં મુલાકાતે આવતા નથી. તેમણે રોકડું પરખાવતાં જણાવ્યું હતું કે પાર્ટી ઉપર પ્રેમ હોવાથી ભાજપથી પહેલા હોવાથી અમોએ તમને ચુંટી લાવેલ છીએ, હવે ધ્યાન દોરતા નથી.