પાલનપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ: 3 ઇંચ વરસાદ સમગ્ર વિસ્તાર પાણી-પાણી
ગણેશપુરાનો આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાયો
ગઠામણ પાટીયા, ધનિયાણા ચોકડી સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા
ઉમરદશી નદીમાં નીર આવતા ખેડૂતોમાં ખુશની લહેર
ગુજરાતને ઘમરોળનાર મેઘરાજા એ ફરીએકવાર તોફાની બેટિંગ કરતા જિલ્લા મુખ્યાલય પાલનપુર અને વડગામ તાલુકામાં ધોધમાર વરસાદ થયો હતો. જેમાં જિલ્લા માં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ(85 મી.મી.) વરસાદ વડગામ તાલુકા માં થયો હતો. જ્યારે પાલનપુર તાલુકામાં 3 ઇંચ(78 મી.મી.) થી વધુ વરસાદ ખાબક્યો હતો. જોકે, વરસાદની તોફાની બેટિંગને પગલે પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાઈ જવાની સાથે ઉમરદશી નદીમાં નવા નીર આવતા ખેડૂતો હરખાઈ ઉઠ્યા હતા. તો વળી પાલનપુરના ગણેશપુરામાં આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાતા લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરીને નુકસાન થતા શ્રમિકોના જીવ પડીકે બંધાયા હતા.
બનાસકાંઠા જિલ્લા મુખ્યાલ પાલનપુરમાં ગત રાત્રે 3 વાગ્યાથી વહેલી પરોઢ સુધી મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. પાલનપુર શહેર માં અસહ્ય ઉકળાટ વચ્ચે વહેલી સવારે જ વરસાદનું આગમન થયું હતું. વરસાદ આવતા ગરમીમાં રાહત મળતા નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો. પાલનપુર શહેર સહિત પંથકમાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
પાલનપુર પંથકમાં મોડી રાતથી વહેલા પરોઢિયા સુધીમાં ત્રણેક ઇંચ(78 મી.મી)જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદને લઈને નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. શહેરના ગણેશપુરા, આંબાવાડી, નાની બજાર, સિવિલ હોસ્પિટલ, મફતપુરા, કીર્તિસ્થંભ, ગઠામણ પાટિયા, ધનિયાણા ચોકડી, પોલીટેક્નિક કોલેજ, રેલવે ગરનાળા ઓ સહિત ઠેરઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકો અને રાહદારીઓ અટવાયા હતા. જ્યારે ગણેશપુરામાં એક પ્રાઇવેટ જગ્યામાં દીવાલ ધરાશાઇ થઈ હોવાના અહેવાલ સાંપડ્યા છે. તો વળી માનસરોવર રોડ પરની સ્કુલ પાસે પાણી ભરાઈ જતા શાળામાં રજાનો માહોલ જોવા મળ્યો હતો.
ઉમરદશી નદીમાં નવા નીર: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. દાંતા અને ઉપરવાસમાં ભારે વરસાદ પડતા સુકીભઠ્ઠ રહેતી ઉમરદશી નદીમાં અચાનક નવા નીર આવ્યા હતા. ધાણધા નજીક પસાર થતી ઉમરદશી નદીમાં નવા આવતા ખેડૂતોને લાભ થશે. પાલનપુરના ધાણધા નજીક પસાર થતી ઉમરદશી નદીમાં આજે નવા નીર આવ્યા છે. ગતરાત્રે ઉપરવાસ અને દાંતામાં ભારે વરસાદ પડતાં સૂકીભઠ્ઠ પડેલી ઉમરદશી નદી જીવંત થઈ છે. પાલનપુરની ઉમરદશી નદી આસપાસના ખેડૂતો માટે જીવા દોરી સમાન છે. ઉમરદશી નદીના કાંઠે અંદાજિત 100 થી વધુ ગામડાઓ આવેલા છે. ઉપરવાસ માં પડેલા ભારે વરસાદ ના લીધે ઉમરદશી નદીમાં નવા નીર આવાથી આસપાસના ગામડા ઓમાં રહેતા ખેડુતોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે.
ગણેશપુરા આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાયો: પાલનપુર શહેરમાં ગત રાત્રે કડાકા ભડાકા સાથે મેઘરાજાએ કરેલી તોફાની બેટિંગને પગલે સવા ત્રણ ઇંચ વરસાદ ખાબક્તા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. જેમાં શહેરના ગણેશપુરા આંબાવાડી વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘરમાં ફરી મળતા ઘરવખરીને મોટું નુકસાન થયું હતું. દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા હોવા છતાં આજ દિન સુધી પાલીકા તંત્ર દ્વારા કોઈ જ ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેના કારણે લોકોને વારંવાર વરસાદી પાણીથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જોકે, ગણેશપુરા આંબાવાડી વિસ્તારમાં વરસાદી પાણી શ્રમિક પરિવારોના મકાનોમાં ફરી વળતા ઘરવખરીને મોટું નુકસાન થયું છે. દરરોજ મજૂરી કરીને રોજનું કમાઈને રોજ ખાનારા શ્રમિક પરિવારોને આ વરસાદી પાણી ભરાઈ જવાના લીધે આર્થિક ભાર સહન કરવાનો વારો આવ્યો છે. ગરીબ પરિવારના મકાનોમાં ઢીંચણ સમા વરસાદી પાણી ભરાઈ જતા ગેસના સિલેન્ડર સહિત ઘરવખરી પાણીમાં તરતી જોવા મળી હતી.
ગઠામણ-વીરપુર પાટિયા રોડ પાણીમાં ગરકાવ: પાલનપુરમાં વહેલા પરોઢિયે વીજળીના કડાકા ભડાકા વચ્ચે ભારે મેઘગર્જના સાથે વરસાદ વરસ્યો હતો. પાલનપુરમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા અંબાજીને જોડતા હાઇવે પર વિરપુર પાટિયા પાસે પણ ઘૂંટણ સમા પાણી ભરેલા જોવા મળ્યા હતા. તો બીજી તરફ અમદાવાદ નેશનલ હાઈવે નજીક ગઠામણ પાટિયા પાસે રોડ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. જેના કારણે અનેક વાહન ચાલકોને રાહદારીઓ અટવાયા હતા. ગઠામણ પાટીયા થી અનેક ગામડા ઓને જોડતો આ માર્ગ છે. જે માર્ગ ઉપર દર વર્ષે ચોમાસામાં ઘુટણ સમા પાણી ભરાય છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ નિકાલ કરવામાં આવતો નથી. જેના કારણે વાહનચાલકો અને સ્થાનિકો તેમજ જે રાહદારીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.