મેઘરાજાની મહેર : આ વર્ષે અનરાધાર વરસાદના પગલે આબુની અરવલ્લીની પહાડીઓનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું
ઠેરઠેર વહેતા ઝરણાંનો આહલાદક નજારો : પ્રવાસીઓ રોમાંચિત બનાસકાંઠા જિલ્લાની બોર્ડરે આવેલ રાજસ્થાનના વિખ્યાત હીલ સ્ટેશન માઉન્ટ આબુ સહિત આજુબાજુમાં આ વર્ષે અનરાધાર વરસાદ પડયો છે. તેથી આબુની નયનરમ્ય અરવલ્લીની પહાડીઓનું પ્રાકૃતિક સૌંદર્ય પૂરબહારમાં ખીલી ઊઠ્યું છે. તેમાં પણ સતત વરસાદના પગલે વ્હોળા વહેતા થઈ ગયા છે. જેથી મૃત અવસ્થામાં પડેલા ઝરણાં પણ સજીવન થઈને ઠેરઠેર વહેતા થઈ ગયા છે.
જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી જાણે પહાડીઓએ લીલોતરી ઓઢી લીધી છે. જેથી પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. જેથી દૂર દૂરથી પ્રવાસીઓ પ્રકૃતિના આ આહલાદક નજરાને રૂબરૂ નિરખવા અને માણવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે.તેઓ પહાડીઓ વચ્ચેની લીલોતરીની પ્રાકૃતિક મોજ માણવા સાથે કુદરતી રીતે વહેતા ઝરણામાં ભીંજાવાનો નિજાનંદ પણ ચુકતા નથી.તેથી ખળખળ વહેતા ઝરણાં આકર્ષણ જમાવી રહ્યા છે. ઠંડા અને વરસાદી માહોલ વચ્ચે વાતાવરણ પણ ખુશનુમા બની ગયું છે. તેથી સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી પ્રવાસીઓ આબુમાં ઉમટી રહ્યા છે.
જેથી આબુને જોડતા તમામ રસ્તાઓ ઉપર અને હીલ સ્ટેશનના જોવા લાયક નખી લેક સહિતના સ્થળે માનવ મહેરામણ નજરે પડે છે.હાલ શનિવાર અને રવિવારે રજાને લઈ સહેલાણીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.