ઉત્તર ગુજરાતમાં મેઘમહેર અનેક જગ્યાએ પાણી ભરાયા વરસાદની અસર જનજીવન પર જોવા મળી
સમગ્ર રાજ્યભરમાં મેઘરાજાએ આંટો લીધા બાદ ચોથા રાઉન્ડમાં બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અષાઢ અને શ્રાવણ માસમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સો ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે હવે ભાદરવા માસના પ્રારંભે શરૂ થયેલો વરસાદ જિલ્લામાં નવાજૂની કરશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. છેલ્લા બે દિવસથી બનાસકાંઠા તેમજ ઉપરવાસમાં રાજસ્થાનમાં સારો વરસાદ થતાં દાંતીવાડા સહિત ડેમોમાં પાણીની આવક શરૂ થઈ છે.
ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ભાદરવા માસની શરૂઆતથી જ વરસાદી માહોલ શરૂ થઈ છે. ચોમાસાના બે મહિના દરમિયાન રાજ્યના અન્ય જિલ્લાની સરખામણીએ બનાસકાંઠા જિલ્લામાં ઓછો વરસાદ પડ્યો હતો. ત્યારે હવે ચોથા રાઉન્ડનો વરસાદ મન મૂકીને વરસે અને જિલ્લાના ત્રણેય ડેમ છલકાઈ જાય તેવી આશા બનાસકાંઠાવાસીઓ રાખીને બેઠા છે.
ગત વર્ષે શ્રાવણ મહિના દરમિયાન જ દાંતીવાડા ડેમ સંપૂર્ણ ભરાઈ જતા બે વખત દરવાજા ખોલવા પડ્યા હતા. જોકે આ વખતે ડેમ હજુ 35% જેટલો જ ભરેલો હોવાથી ઉપરવાસમાં વધુ વરસાદ થાય અને ડેમ સંપૂર્ણ ભરાઈ જાય તેવી આશા બનાસકાંઠા જિલ્લાના લોકો રાખી રહ્યા છે. ડીસામાં ગુરુવારે વહેલી સવારથી મુશળધાર વરસાદ શરૂ થતા અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. જ્યારે ભારે વરસાદની અસર જનજીવન પર જોવા મળી હતી. જેમાં બજારો મોડા ખુલ્યા હતા તેમજ શાળા કોલેજમાં પણ વિદ્યાર્થીઓની હાજરી પાંખી રહી હતી.