અંબાજીમાં ધારાસભ્યોનાં ભોજનનું બિલ 11 લાખ રૂપિયા! નેતાજીઓની સંખ્યા 182 અને બિલ બન્યું 495 લોકોનાં જમણવારનું
લ્યો બોલો ! નેતાજીઓની સંખ્યા 182 અને બિલ બન્યું 495 લોકોનાં જમણવારનું
-કોના બાપની દિવાળી ! નેતાજીઓના એક દિવસનાં ચા-ભોજન પાછળ 11 લાખ રૂપિયા અંબાજી મંદિર ટ્રસ્ટનાં ભંડોળમાંથી ચૂકવાયાં !
કરોડો લોકોની આસ્થાનું કેન્દ્રબિંદુ અંબાજી મંદિર, અહીં નેતાજીઓ 360 રૂપિયાની ચાની ચુસ્કી ભરે છે: ગુજરાતમાં અણધડ વહીવટ અને ભ્રષ્ટ બાબુઓની મીલીભગતથી પ્રજાનાં ટેક્સનાં નાણાંનો દુરુપયોગ થવો એ એક રોજિંદી વાત બની ગઈ છે. પરંતુ સરકારી બાબુઓ નેતાજીઓની ખુશામત કરવામાં એટલી હદે મશગુલ થઇ જાય છે કે માઁ અંબાના ધામમાં કરોડો માઇ ભક્તોનાં દાનથી ચાલતા ટ્રસ્ટમાંથી જ લાખ્ખો રૂપિયાનો ગેરવહીવટ કરી નાખે તો ભ્રષ્ટ બાબુઓની નીતિ અને રીતિ બંને સવાલોનાં ઘેરામાં આવે તે સ્વાભાવિક બાબત છે.
સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો, બનાસકાંઠા જિલ્લામાં આવેલ જગ વિખ્યાત અંબાજી મંદિર ખાતે ગત 12 થી 16 ફેબ્રુઆરી- 2024 દરમિયાન 51 શક્તિપીઠ પરિક્રમા માહિત્સવનું આયોજન કરાયું હતું. જે હેઠળ 15 ફેબ્રુઆરીએ ગુજરાતનું સમગ્ર મંત્રી મંડળ એટલે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ,મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી સહીત તમામ પક્ષો-અપક્ષોનાં ધારાસભ્યો એક દિવસ માટે અંબાજી આવ્યા હતાં. જેમાં તેમને બે ટાઈમ ચા અને એક ટાઈમ ભોજન માટેની જવાબદારી તત્કાલીન અંબાજી દેવસ્થાન ટ્રસ્ટનાં ચેરમેન અને કલેકટર વરુણ બરનવાલે જિલ્લા ચૂંટણી તંત્રને સોંપી હતી.
જે હેઠળ જે એજન્સીને ચા અને ભોજનનો કોન્ટ્રાકટ અપાયો હતો તેને ધારાસભ્યોનાં એક દિવસનાં ચા -ભોજનની વ્યવસ્થા માટે 11 લાખનું બિલ અંબાજી દેવસ્થાને ટ્રસ્ટે ચૂકવ્યું હોવાનો ખુલાસો અંબાજીના એક સ્થાનિકે કરેલ આરટીઆઈમાં થવા પામ્યો છે. જો કે, આ અંગે જિલ્લા વહીવટી તંત્રે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે,આ ખર્ચ માટે સરકારમાંથી ગ્રાન્ટની માંગણી કરાઈ છે અને ગ્રાન્ટ આવ્યે તે નાણાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટમાં જિલ્લા ચૂંટણી તંત્ર જમા કરાવશે. પરંતુ અહીં સવાલ એ ઉભો થાય છે કે ફેબ્રુઆરી મહિનામાં કોઈ ચૂંટણી જ નહોતી તો જિલ્લા ચૂંટણી તંત્ર ચૂંટણી ખર્ચ તરીકે આ ખર્ચાને કઈ રીતે ગણાવી શકે ?? જે બાબત માઇભક્તોમાં પણ અનેક શંકાઓ ઉપજાવી રહી છે.
ચૂંટણી અધિકારીએ દેવસ્થાન ટ્રસ્ટને નાણાં ચૂકવવા ક્યા નિયમથી આદેશ કર્યો ? : કોંગ્રેસ
વિધાનસભા અધ્યક્ષનાં આમંત્રણને માન આપી તમામ ધારાસભ્યો 15 ફેબ્રુઆરીએ અંબાજી પધાર્યા હતાં. ત્યારે એક જાગૃત નાગરિકે કરેલી આરટીઆઈમાં જે ખુલાસો થયો તેનાથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે સવાલ ઉઠાવતા જણાવ્યું કે, ધારાસભ્યોને ચા -નાસ્તો કે ભોજન કરાવ્યું તેનું બિલ સરકારે ચૂકવવું જોઈએ. તેને બદલે મંદિર ટ્રસ્ટનાં ભંડોળમાંથી નાણાં કેમ ચુકવાયા ? એટલું જ નહિ, 15 ફેબ્રુઆરી સુધી ચૂંટણી જાહેર નહોતી થઇ તો ચૂંટણી અધિકારીના લેટરપેડ પર કેમ ભાવ મંગાવવામાં આવ્યા ? આની જવાબદારી ચૂંટણી તંત્રને આપવા પાછળ કયો ઈરાદો હતો ? અને ક્યા અધિકારથી જિલ્લા ચૂંટણી તંત્રે અંબાજી ટ્રસ્ટને કેટરર્સને નાણાં ચૂકવવા પત્ર લખ્યો ? આવા વેધક સવાલો કોંગ્રેસે ઉઠાવતા ભાજપ બેકફુટમાં ધકેલાયું છે.
ચેતક કલાઉડ કિચનને જ કેમ ટેન્ડર અપાયું ?
ગુજરાતનાં મુખ્યમંત્રી, ધારાસભ્યો વગેરેને એક ટાઈમનું ભોજન તેમજ બે ટાઈમની ચા પીવડાવવાનો કોન્ટ્રાકટ જેને આપવામાં આવ્યું તે ચેતક કલાઉડ કિચન કેટરર્સ સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે. ડીસાનાં જાગૃત નાગરિકોનાં જણાવ્યા અનુસાર, આ ચેતક કલાઉડ કિચનને ડીસા તેમજ બનાસકાંઠામાં ભાગ્યે જ કોઈ ઓળખે છે, તો સંસ્થા અગાઉ કોઈ મહાનુભાવો માટે ભોજન તૈયાર કરવાનો અનુભવ ધરાવે છે કે નહિ ? આ બધી જ બાબતો જાણ્યા વિના તેનું ટેન્ડર કઈ રીતે પાસ થયું ? જો ત્રણ એજન્સીઓના આવેલા ભાવોમાંથી 1704 રૂપિયા એક થાળીનો નીચામાં નીચો ભાવ હોય તો પછી એક ભોજન થાળીનો ઊંચામાં ઊંચો ભાવ કોને ગણવો ? તે પણ એક સવાલ છે. કારણ કે, અમદાવાદની કોઈ ફાઈવ સ્ટાર હોટલ સમકક્ષ ભોજનનો ભાવ હોવાથી તે કેટરર્સનાં અનુભવ અને લોકપ્રિયતાને લઈને પણ સવાલ થવા સ્વાભાવિક બાબત છે. સૂત્રોનું માનીએ તો સરકાર દ્વારા આવા ત્વરિત ધોરણે અપાતાં ટેન્ડરમાં તંત્ર જે લાગતા વળગતાને ટેન્ડર આપવા માંગતું હોય તેની પાસેથી જ ત્રણ અલગ અલગ સંસ્થાઓના ભાવો મંગાવી પોતાનો ભાવ બીજા બે કરતાં નીચો ભરવા સૂચના આપતું હોય છે, આમ પોતાના જ નિર્ધારિત માણસોને ટેન્ડર આપવાનો ખેલ સરકારી કામોમાં વર્ષોથી ચાલતો આવે છે. જે એક કડવું સત્ય છે. તેથી આ ચેતક કલાઉડ કિચન સંસ્થાની પણ તપાસ થવી અત્યન્ત જરૂરી છે.
જિલ્લા વહીવટી તંત્ર ગ્રાન્ટ આવતાં જ બિલનાં નાણાં અંબાજી ટ્રસ્ટમાં જમા કરાવશે : તંત્રની સ્પષ્ટતા આ સમગ્ર વિવાદ અંગે જિલ્લા વહીવટી તંત્રે એક અખબારી યાદી પ્રસિદ્ધ કરી જણાવ્યું છે કે, મંદિર ટ્રસ્ટનાં ભંડોળમાંથી ધારાસભ્યોને ચા-નાસ્તા, ભોજનનું બિલ ચૂકવાયું તેવા મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થઇ રહ્યાં છે તેમાં સત્ય એટલું જ છે કે, ટૂંકાગાળાની વ્યવસ્થાના ભાગરૂપે હાલ આ નાણાં અંબાજી મંદિર ટ્રસ્ટનાં ભંડોળમાંથી ચૂકવાયા છે, પરંતું જિલ્લા વહીવટી તંત્રે યાત્રાધામ વિકાસ બોર્ડ પાસે આ નાણાં માટે ગ્રાન્ટની દરખાસ્ત કરેલ છે, જેવી ગ્રાન્ટ આવશે કે તરત જ તે નાણાં અંબાજી મંદિર ટ્રસ્ટનાં ભંડોળમાં જમા કરાવાશે, તેથી મંદિરનાં ભંડોળમાંથી ધારાસભ્યોને ભોજન કરાવાયું હોવાની વાત પાયવિહોણી છે તેવો ખુલાસો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્રને ‘રખેવાળ’ નાં વેધક સવાલો
– 1) સાહેબ ! જો વર્કઓર્ડર 182 ધારાસભ્યોનાં ભોજન, ચા નાસ્તાનો જ હતો તો બિલ 495 વ્યક્તિઓનાં હિસાબે 11 લાખનું કઈ રીતે બની મંજુર કરાયું ?
2) ભોજનનાં મેનુમાં એવું તે શું હતું કે એક ટાઈમના ભોજન અને બે ટાઈમ ચાનું બિલ 11 લાખ રૂપિયા બની ગયું ?
3) ડીસાની ચેતક કલાઉડ કિચનને અગાઉ વીવીઆઈપી મહેમાનો માટે ભોજન બનાવવાનો કેટલો અનુભવ હતો ?
4) કાર્યક્રમ પ્રવાસન વિભાગનો હતો તો જિલ્લા ચૂંટણી અધિકારીનાં લેટરપેડ પર કેમ વર્ક ઓર્ડર અપાયો ?
5) – ચા પીતી વખતે મહેમાનો 300 જ હતાં તો ભોજન વખતે મહેમાનો વધીને 495 કઈ રીતે થઇ ગયા ?