માવસરી પીએસઆઈ અને પત્ની સામે 11 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો
દિયોદરની ઓમ પાર્ક સોસાયટીમાં માલિકીના રહેણાંક મકાનનો દસ્તાવેજ કરી આપવાનું કહી પાલડી ગામના અરજદાર પાસેથી 11 લાખની છેતરપિંડી આચરતા દિયોદર પોલીસ મથકે માવસરી પીએસઆઈ અને તેમની પત્ની સામે ફરિયાદ નોંધાઇ છે.
પાલડી ગામે રહેતા હિતેસિંહ ગજેસિંહ વાઘેલાની વર્ષ-2018 માં થરાદ તાલુકાના જાણદી ગામે રહેતા અને હાલ માવસરી પોલીસ મથકે પીએસઆઈ તરીકે ફરજ બજાવતા નિલાભાઈ પટેલે દિયોદરના કોટડા હાઇવે પર ઓમ પાર્ક સોસાયટીમાં રોહાઉસ મકાન આવેલ છે. જે મકાન પૈસાની જરૂર હોવાથી વેચવાનું છે તેમ કહી હિતેસિંહને વિશ્વાસમાં લઇ મકાનનો દસ્તાવેજ કરી આપવાનું કહી મકાન રૂ.11 લાખમાં 22 ડિસેમ્બર-2018 ના રોજ પીએસઆઇ નિલાભાઇને રોકડા આપી વેચાણ લેખ કરાવ્યો હતો. અને આ રહેણાંક મકાનમાં પ્રગતિ બેંકનો બોજો હોઈ તે રકમ ભરપાઈ કરી મિલકતનો રજીસ્ટર દસ્તાવેજ કરી આપવાનો વિશ્વાસ આપ્યો હતો.
પરંતુ સમય જતાં અવાર-નવાર કહેવા છતાં રજીસ્ટર દસ્તાવેજ ન કરી આપતા અને હિતેસિંહને ધમકી આપતા હિતેસિંહએ અગાઉ પણ પોલીસમાં લેખિત રજુઆત કરી હતી. જેમાં કોઈ કાર્યવાહી ન થતા આખરે હિતેસિંહએ દિયોદર કોર્ટના દ્વાર ખખડાવતા આખરે કોર્ટે ફરિયાદ દાખલ કરવા હુકમ કરતા દિયોદર પોલીસ મથકે માવસરી પીએસઆઇ નિલાભાઈ પટેલ અને પત્ની નાવીબેન નિલાભાઈ પટેલ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.