
અંબાજી મંદિરમાંથી પકડાયેલા શખસે 2 મોબાઈલ અને 4000 રૂપિયા ચોરી કર્યાની કબૂલાત કરી
હાલમાં દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે. ત્યારે વેકેશનને લઈને અને નવા વર્ષની ઉજવણી કરવા માટે દેશભરથી લોકો શક્તિપીઠ અંબાજી ખાતે આવી રહ્યા છે. દિવાળીના તહેવારોને લઈને મા અંબાના ધામે અંબાજીમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. હાલમાં અંબાજીમાં માનવ મેરામણ ઉમટી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે.દિવાળીના પાંચ દિવસ દરમિયાન 7 લાખ જેટલા યાત્રાળુઓ મા અંબાના દર્શન કરી ચૂક્યા છે. ત્યારે હજી પણ સતત યાત્રાળુઓનો ઘસારો અંબાજી મંદિરમાં જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં આવતા યાત્રાળુઓ વચ્ચે અનેકો અસામાજિક તત્વો પણ પોતાના મનસુબાઓને અંજામ આપતા હોય છે. ત્યારે અંબાજી મંદિરમાંથી આજે ચોરને પકડી પાડ્યો હતો.
આજે લાભ પાંચમના દિવસે મોટી સંખ્યામાં આવતા યાત્રાળુઓના વચ્ચે અમુક અસમાજિક તત્વો પણ પોતાનો લાભ ઉઠાવવા માટે ઘૂસ્યા હતા અને ચોરીનો અંજામ આપતા હતા. અંબાજીના સ્થાનિક લોકો અને ગ્રાહક સુરક્ષા કેન્દ્ર ના વિપુલભાઈ ગુજરે એક ચોરને પકડી પાડ્યો હતો. ત્યારે તે ચોરે 2 મોબાઈલ અને 4000 રૂપિયા રોકડા ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ત્યાર બાદ સ્થાનિક લોકોએ અને વિપુલભાઈ ગુજરે તે ચોરને અંબાજી પોલીસને હવાલે સોપ્યો હતો. પોલીસ અંબાજી પોલીસ સ્ટેશનમાં ચોરને લાવ્યા બાદ અંબાજી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હતી. આજે અંબાજી મંદિરમાંથી ચોરને એ સ્થાનિક લોકોએ પકડી પાડ્યો હતો અને તેનો વીડિયો ઉતાર્યો હતો. ત્યાર બાદ તે વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યો હતો.