
ડીસાની મધુવન રેસિડેન્સીમાં છઠ્ઠા નોરતે માતાજીને 56 ભોગનો મહાપ્રસાદ ધરાવાયો
ડીસામાં નવરાત્રિના દિવસો જેમ જેમ આગળ વધી રહ્યા છે. તેમ તેમ રાત્રિ દરમ્યાન ગરબાનો માહોલ જામી રહ્યો છે. ત્યારે મધુવન રેસિડેન્સીમાં પણ છઠ્ઠા નોરતે ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ મચાવી હતી અને માતાજીને 56 ભોગનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો.ડીસા શહેરના રાણપુર રોડ પર આવેલી મધુવન રેસિડેન્સીમાં પણ નવરાત્રિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. વર્ષોથી અહી નવરાત્રિ દરમિયાન માતાજીની ચાચર ચોકમાં સ્થાપના કરવામાં આવે છે અને માતાજીનાં ગરબા રમવામાં આવે છે. ત્યારે છઠ્ઠા નવરાત્રિ પ્રસંગે સ્થાનિકોએ માતાજીને વિવિધ પ્રકારના 56 ભોગનો પ્રસાદ ધરાવ્યો હતો અને માતાજીની મહા આરતી કરી હતી. ત્યાર બાદ સ્થાનિક મહિલાઓ અને પુરુષોથી માંડીને બાળકો પણ સાંસ્ક્રૃતિક વેશ પરિધાન કરીને રાસ ગરબાની રમઝટ મચાવતા નજરે પડ્યા હતા.
મોડી રાત સુધી મધુવન રેસિડેન્સીનો કોમન પ્લોટ રાસ-ગરબાની રમઝટથી ગુંજી ઉઠ્યો હતો. આ ગરબામાં રેસિડેન્સીના સ્થાનિકો દ્વારા ખૂબ જ ઉત્સાહથી ભાગ લેવામાં આવે છે અને નવરાત્રિના નવ દિવસ દરમિયાન આ વિસ્તાર સોળે શણગારે ખીલી ઊઠે છે. ત્યારે નવરાત્રિના છઠ્ઠા નોરતે પણ રેસિડેન્સીમાં રાસ ગરબાનો અદ્ભુત માહોલ જામ્યો હતો.