
થેરવાડા ગામમાં શિક્ષકના મુદ્દે સ્કુલને તાળાબંધી
ધાનેરાના ભાંજણાથી વિવાદના કારણે બદલીને આવી રહેલા એક શિક્ષકના મુદ્દે થરાદના થેરવાડા ગામના ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી. જેના કારણે બાળકોને શાળાની બહાર કામગીરી કરવાની નોબત આવી હતી. ધાનેરાના ભાંજણાથી કોઇ વાતના વિવાદને મુદ્દે બે પૈકી એક શિક્ષકની થરાદના થેરવાડા ગામમાં બદલી કરવામાં આવી હતી. જો કે શિક્ષક હાજર થાય તે પુર્વે ગ્રામજનોને આ બાબતની જાણ થતાં શુક્રવારે શાળાને તાળાબંધી કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે બદલી થઇને આવેલ શિક્ષકનું વર્તન સારું ન હોવાના કારણે કરાઈ સ્કુલને તાળા બંધી કરવામાં આવી છે. આ બાબતે અમોએ જીલ્લાવિકાસ અધિકારીનું ધ્યાન દોરવા છતાં પણ કોઇ પગલાં ભરવામાં આવ્યાં ન હતાં.
બીજી બાજુ શાળાને તાળાં મારતાં બાળકોએ બહાર શેરીમાં બેસીને પ્રાર્થના ઉપરાંત શૌક્ષણિક કાર્ય કર્યું હતું. આ બાબતની જાણ સ્થાનિક શિક્ષણવિભાગને થતાં આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા. અને બપોર પછી શાળા શરૂ કરવામાં આવી હતી. જ્યારે વિવાદ અંગે જાણવાનો પ્રયાસ કરતાં ધ્યાનમાં આવ્યું હતું કે ધાનેરાના ભાંજણામાં ફરજ બજાવતા અને વિવાદ થયેલ બે પૈકી એક શિક્ષક થરાદના થેરવાડા ગામના છે.અને બીજા શિક્ષક કાળુભાઇ ચૌધરી ધાનેરાના નાનુડા ગામના છે. બંન્ને બોકા જ્ઞાતીના છે. તેમની બદલી આ ગામમાં થતાં વિરોધ ઉઠવા પામ્યો હતો. નોંધનીય છે કે શાળામાં ૧ થી ૮ ધોરણમાં ૨૭૬માં બાળકો અભ્યાસ કરે છે.આ વિવાદનું નિરાકરણ કેવી રીતે આવે છે તેના પર પણ સૌની નજર મંડરાવા પામી છે.