લમ્પી વાઈરસના હાહાકાર વચ્ચે સ્થાનિક નેતાઓ ગાયબ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં પશુઓમાં ફેલાયેલ જીવલેણ લંપી વાયરસના કારણે પશુપાલકો અને ખેડુતો પોતાના પશુઓ બચાવવા ભારે મથામણ કરી રહ્યાં છે. બીજી બાજુ, એક માત્ર બનાસડેરીના ચેરમેનને બાદ કરતા ભાજપ અને કોંગ્રેસના તમામ નેતાઓ ગાયબ થઈ ગયા છે. તેથી નેતાઓને પણ લંપી વાયરસ લાગુ પડી ગયો કે શું ? તેવો વેધક સવાલ બનાસવાસીઓમાં ઉઠવા પામ્યો છે. રાજયમાં સૌથી વધુ પશુધન ધરાવતા જિલ્લામાં લંપી વાયરસે દસ્તક દેતા જ કુદરતી આફતોમાં બનાસવાસીઓની પડખે કાયમ રહેતા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ યુધ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. બનાસ ડેરીનાં તમામ વેટરનરી ડોકટરોનો કાફલો ગામે ગામ ખુંદી રસીકરણ સહીત સારવાર કરી રહ્યો છે. બનાસ ડેરી દ્વારા તમામ તાલુકાઓમાં વિનામૂલ્યે રસીનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. તો પણ ઝેરી વાયરસના કારણે પશુઓ ટપોટપ મરી રહ્યાં છે. પોતાના દૂધાળા પશુઓને બચાવવા પશુપાલકો અને ખેડુતો પીડાઈ રહ્યાં છે. તેમ છતાં ભાજપ કે કોંગ્રેસના કોઈ નેતા કે આગેવાન ક્યાંય ડોકાતા નથી. એટ- લું જ નહીં બનાસ ડેરી દ્વારા તાલુકા મથકોએ વિનામુલ્યે અપાતી રસીનું પશુઓને રસીકરણ કરાવવાની પણ તસ્દી લેતા નથી. તેથી આરોગ્યના  ભોગે ખૂણા પાળતા આ સંવેદનાહીન નેતાઓથી પશુપાલકો અને ખેડુતો સમસમી ઉઠ્યાં છે. ર૦૧૭ ના પુરમાં પણ ડેરીના ચેરમેન અને પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીએ આગવી કુનેહથી મુખ્યમંત્રી સહીત આખુ મંત્રી મંડળ જિલ્લામાં રાહત અને બચાવ કામગીરીમાં જાેતરી દીધુ હતું. તો શું જિલ્લામાં આફતે કે કુદરતી હોનારતો સમયે પ્રજાની પડખે રહેવાનો ઠેકો એક માત્ર શંકરભાઈ ચૌધરીએ લીધો છે કે શું ? તેવા વેધક સવાલો કરી બનાસવાસીઓએ જિલ્લાની નબળી નેતાગીરીને પણ પશુઓની જેમ લંપી વાયરસ આભડી ગયો હોવાના કટાક્ષો કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.