
વિદેશમાં અભ્યાસ માટે પાંચ વર્ષમાં બનાસકાંઠામાં ૨૬ વિદ્યાર્થીઓને રૂા.૩.૯૦ કરોડની લોન અપાઇ
ધાનેરા તાલુકાના શિયા ગામના ખેડુત રમેશભાઇ જોધાભાઇ સોલંકીના પુત્ર ઉત્તમ સોલંકીને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરી માતા-પિતાનું સપનું પુરૂ કરવું હતું. ધ્યેયને સિધ્ધ કરવા સાહસની પણ જરૂર પડતી હોય છે. રમેશભાઇ સોલંકી ગામડામાં રહેતા ખેડુત હોવા છતાં તેમણે તેમના બધા જ બાળકોને સારુ શિક્ષણ અપાવ્યું છે. તેમણે તેમના સૌથી મોટા પુત્ર ઉત્તમને ખેરવા ગણપત યુનિવર્સિટીમાંથી ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇ.ટી.) એન્જીનિંયરીંગમાં ગ્રેજયુએશન કરાવ્યું છે. ગ્રેજ્યુએશન બાદ માસ્ટર ડીગ્રી કરવા માટે તેને વિદેશમાં ભણવાની અદમ્ય ઇચ્છા હતી. ઉત્તમના પિતા રમેશભાઇ સોલંકીને પણ દિકરાને વિદેશ ભણાવવાની ખુબ ઇચ્છા હતી. એટલે ઉત્તમે કેનેડાની વિન્ડસર યુનિવર્સિટીમાં પ્રવેશ માટે અરજી કરી અને તેમાં એડમિશન પણ મળી ગયું. સાથે જ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં તપાસ કરી. ત્યાંથી તેમને જાણકારી મળી કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે રાજય સરકારશ્રી દ્વારા સાવ નજીવા વ્યાજના દરે રૂ. ૧૫ લાખ સુધીની લોન આપવામાં આવે છે. ઉત્તમે પણ આ લોન માટે અરજી કરતાં તેઓને માત્ર ૪ ટકાના વ્?યાજદરની રૂ. ૧૫ લાખની લોન મળતાં હાલ તેઓ કેનેડાની વિન્ડસર યુનિવર્સિટીમાં આઇ.ટી. એન્જીનિયરીંગમાં માસ્ટર ડીગ્રીનો અભ્યાસ પૂર્ણ કરી ત્યાં નોકરી કરી સારું કમાઇ રહ્યો છે. ઉત્તમના પિતા રમેશભાઈ જોધાભાઈ સોલંકીએ ખુશી સાથે જણાવ્યું કે, મારો દીકરો કેનેડા વિદેશ અભ્યાસ માટે ગયો છે. ડો.બાબા સાહેબ આંબેડકર લોન સહાય યોજના હેઠળ સમાજ કલ્યાણ કચેરીમાંથી અમને ૧૫ લાખની લોન મળી છે. જેથી મારો દીકરો વિદેશમાં અભ્યાસ કરવા જઈ શક્યો. સરકારે અમારા સપના પૂર્ણ કર્યા એટલે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઉત્તમ આજે કેનેડામાં અભ્યાસ સાથે નોકરી કરી સારું કમાય છે.