
થરાદની ખોડા ચેકપોસ્ટેથી કોલસાની આડાશમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
થરાદ મથકના પોલીસ કર્મચારીઓ ખોડા ચેકપોસ્ટે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. આ વખતે રાત્રિના ૦૨ઃ૩૦ વાગ્યાના સુમારે સાંચોર તરફથી આર.જે.૦૪ જી.સી. ૨૨૧૩ નંબરની ટ્રક આવતાં તેને ચેક કરવા માટે ઉભી રખાવી હતી. જેમાં કોલસા ભરેલ હોઇ ટ્રકના પાછળના ભાગે ઉપર ચડી કોલસામાં લોખંડના સળિયા વડે ચેક કરતા તેમાં કાચનો અવાજ આવતાં ટ્રક ચાલકને પુછતાં તેણે તેમાં દારૂની પેટીઓ ભરેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટ્રક ચાલક આંસુરામ રાયચંદરામ કુડી ચાટ રહે બજીરો કી ધારી ધાની કર્ણાવદરા પંચાયત સીણધરી બાડમેર રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની ૪૫૬ બોટલ કિંમત રૂ. ૨,૦૭,૪૮૦ તથા ટ્રક કિંમત ૦૪ લાખ અને એક મોબાઇલ કિંમત રૂપિયા ૫,૦૦૦ અને ૫૦,૦૦૦ ના કોલસા મળીને કુલ ૬,૬૨,૪૮૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો. તેમજ આ દારૂ ક્યાંથી ભરીને કોને આપવાનો છે, તે અંગે પોલીસે તેને પુછવા છતાં પણ કોઈ સંતોષકારક જાણકારી આપી ન હતી. પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી જેલ હવાલે કર્યો હતો. તેમજ તેની સામે પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં દારૂ ઘુસાડવા બદલ ગુનો દાખલ કરાયો છે.