ડીસાના કુચાવાડા હાઇવે પરથી દારૂ ભરેલી કાર ઝડપાઈ
બનાસકાંઠા એલસીબી પોલીસે રાજસ્થાન તરફથી દારૂ ભરીને આવી રહેલી કારને ડીસા ધાનેરા હાઈવે પર કુચાવાડા ત્રણ રસ્તા પાસે ઝડપી લીધી હતી. પોલીસે દારૂ સહિત કુલ રૂ.3,85,680 નો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોની અટકાયત કરી છે.
બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચને રાજસ્થાનના મંડાર તરફથી દારૂ ભરીને એક કાર ડીસા તરફ આવી રહી હોવાની બાતમી મળી હતી.જેથી એલસીબીના પીએસઆઇ એસ.બી. રાજગોર સ્ટાફના નરેશભાઈ, મુકેશભાઈ, મહેશભાઈ, કાનસિંહ, અલ્પેશભાઈ સહિતની ટીમે ડીસા તાલુકાના કુચાવાડા ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી દારૂ ભરી આવી રહેલી ગાડીને રોકાવી તેમાં તપાસ કરતા અંદરથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ, કાર તેમજ મોબાઈલ સહિત કુલ રૂ. 3,85,680 નો મુદ્દા માલ જપ્ત કરી કાર ચાલક સુરેશ હરિરામ વણઝારા અને બાજુમાં બેઠેલ રમેશ બાબુલાલ વણઝારાને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર વિજયજી ઠાકોર સામે ડીસા તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.