હિન્દૂ પર્વ દિવાળીમાં મુસ્લિમ પરિવારે બનાવેલા કલાત્મક કોડિયાનો પ્રકાશ
જિલ્લા અને જિલ્લા બહાર પણ કોડિયાની વિશેષ માંગ
માટી કામની મીની ફેક્ટરીમાં મોટાભાગે કોડિયા તૈયાર થાય છે.
મંદી અને મોંઘવારી વચ્ચે આ વખતે હિન્દુઓનો સૌથી મોટો તહેવાર દિવાળી બજારો માટે આશાનું નવું અજવાળું લઈને આવ્યો છે. તેથી દિવાળીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. અલબત્ત આ વર્ષે પણ દિવાળી પૂર્વે બજારમાં જોઈએ તેવી રોનક દેખાતી નથી પરંતુ આજના કાળઝાળ મોંઘવારીના સમયમાં થોડી ઘરાકી પણ નાના મોટા વ્યાપારીઓ માટે તારણહાર પુરવાર થાય છે. તેથી હવે લોકો ગજા પ્રમાણે ખરીદી કરવા લાગ્યા છે ત્યારે ડીસા તાલુકાના ઝેરડા ગામના માટી કલાના કસબી કારીગર સલ્લુભાઈ સુમરાની મીની ફેક્ટરીમાં આકાર પામેલા અદ્યતન અને કલાત્મક કોડિયાની વિશેષ માંગ થવા લાગી છે.
ઝેરડા ગામના સલ્લુભાઈ સુમરાએ માટી કામના મળેલા વારસાને બખૂબી નિભાવી જાણ્યો છે.તેમની મીની ફેક્ટરીમાં મશીનરી વડે બનતા રસોઈમાં વપરાતા વાસણો સાથે પક્ષીઓ માટે પાણીના કુંડા, રમકડા,ઘર સજાવટની ફેન્સી આઇટમો સહિત દિવાળીમાં પ્રકાશ રેલાવતા કલાત્મક કોડિયાની વિશેષ માંગ રહે છે. તેથી ફેક્ટરીમાં વર્ષ દરમિયાન મોટેભાગે કારીગરો દ્વારા કોડિયાનું જ વધુ ઉત્પાદન થાય છે.
જેના કારણે દિવાળી પૂર્વે જિલ્લા અને જિલ્લા બહાર પણ એકતા એન્ટરપ્રાઇઝના બેનર હેઠળ મુસ્લિમ પરિવારે બનાવેલ કલાત્મક કોડિયાનું હર કોઈને વિશેષ આકર્ષણ રહે છે.આમ હિન્દુઓના મોટા તહેવારને અજવાળતા કોડિયા કોમી એકતાનું પ્રતિક પણ બની ગયા છે.
મંદી અને મોંઘવારીનો માર: આ બાબતે મહંમદભાઈ સુમરાએ જણાવ્યું હતું કે બજારોમાં મંદીના કારણે અન્ય ધંધાની જેમ માટી કામના ધંધાને પણ માઠી અસર થઈ છે પરંતુ દિવાળી તહેવારોનો રાજા ગણાય છે. જેના કારણે લોકો ગજા પ્રમાણે ખરીદી કરવા લાગ્યા છે. તેથી કોડિયાનું પણ હવે ધીમે ધીમે વેચાણ થવા લાગ્યું છે પરંતુ કાળ ઝાળ મોંઘવારી લોકોનો પીછો છોડતી નથી. તેથી લોકોની ખરીદ શક્તિ ઘટી ગઈ છે. જે હર કોઈ વેપારીને નડી રહી છે.