બાળ સુરક્ષા અંતર્ગત બાળ કલ્યાણ પોલીસ અધિકારીઓને કાયદાકીય તાલીમ અપાઈ
બાળ સુરક્ષા અંતર્ગત પાલનપુર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બાળકોના કાયદા અંગે એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ કાર્યક્રમમાં જે તે વિષયના તજજ્ઞ દ્વારા જુવેનાઈલ જસ્ટિસ એક્ટ-2015, પોકસો એક્ટ-2012, બાળ લગ્ન પ્રતિબંધન એક્ટ-2006 અને બાળ મજૂરી પ્રતિબંધન એક્ટ-1986 વિશે સમજૂતી આપવામાં આવી હતી.
આ તાલીમના અધ્યક્ષસ્થાને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા બનાસકાંઠા જિલ્લામા તમામ કાળજી અને રક્ષણની જરૂરિયાત વાળા ખાસ કરીને અનાથ બાળકોની વિશેષ કાળજી અને સુરક્ષા કરવા તમામ પોલીસ કર્મીઓને સૂચન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સમાજમાં વિકટ પરિસ્થિતિમાં મુકાયેલા બાળકોની પોલીસ દ્વારા દેખરેખ રાખવાથી બાળકો પર થતા અત્યાચાર ઘટશે તેમજ બાળકોની કલ્યાણકારી યોજનાઓ થકી અનાથ નિરાધાર બાળકોના જીવનમાં બદલાવ માટે પોલીસે મહત્વની ભૂમિકા અદા કરવાની રહેશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે બાળ કલ્યાણ અને સુરક્ષા અંતર્ગત કરેલ કામગીરીનું ત્રિમાસિક રીવ્યુ લેવામાં આવશે તથા આ બાળકોની કામગીરીને સંવેદનશીલતાથી કરવા આહવાન કર્યું હતું.
આ તાલીમમાં બાળ કલ્યાણ સમિતિના ચેરમેન જયેશભાઈ દવે દ્વારા શિશુ ગૃહ ચિલ્ડ્રન હોમ તેમજ બાળ કલ્યાણ સમિતિની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અત્રે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ. આશિષ જોષી દ્વારા બનાસકાંઠા જિલ્લામા સ્પેશ્યલ જુવેનાઈલ પોલીસ યુનિટ અંતર્ગત ચાઈલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસરનું મહત્વ, કામગીરી, બાળ કલ્યાણ યોજના અને સેવાઓ અને તાલીમનો હેતુ સમજાવવામાં આવ્યો હતો.