ફૂડ વિભાગ સહિત પોલીસે કાર્યવાહી કરી ભેળસેળીયા તત્વો ફરતે કાનૂની સકંજો કસાશે : કલેકટર
કાણોદરમાંથી રૂ.53 લાખનો 8200 કિલો અખાદ્ય ઘી જપ્ત કરાયું: સરહદી બનાસકાંઠા જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળીયા તત્વો સામે તંત્ર કાનૂની ગાળિયો કસવાની તજવીજ હાથ ધરી રહ્યું છે. કાણોદરમાં ગતરોજ બે વેપારી પેઢીઓમાંથી રૂ.53 લાખની કિંમતનો 8200 કિલો અખાદ્ય ઘી નો જથ્થો જપ્ત કર્યા બાદ તેઓ સામે પોલીસ કાર્યવાહી કરવાના સંકેત જિલ્લા કલેકટરે આપ્યા હતા.
પુરવઠા વિભાગ દ્વારા પાલનપુર તાલુકાના કાણોદર હાઇવે પર શંકાસ્પદ ઘી બનાવતી બે ફેક્ટરી ઓ પર દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ ફૂડ વિભાગને જાણ કરી હતી. નમસ્તે અને શ્રીમૂલ નામની મીની ફેક્ટરીઓમાં કાર્યવાહી કરી રૂ. 53 લાખનો મુદ્દા માલજપ્ત કર્યો હતો. 21 ફેબ્રુઆરીએ પુરવઠા અને ફુડ વિભાગે સંયુક્ત રીતે કાણોદર હાઈવે પર આવેલી શ્રીમુલ ઘીની ફેક્ટરી ઉપર દરોડા પાડ્યા હતા. જેમાં શંકાસ્પદ ઘી જણાતા ફ્રુડ વિભાગે 41.86 લાખની કિંમતનો 6354 કિલોગ્રામ શંકાસ્પદ ઘી નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. પેઢીના માલિક વિપુલ રાવલની હાજરીમાં 03 સેમ્પલ લઇ અને ફ્રુડ વિભાગ એ પરીક્ષણ અર્થે મોકલ્યા છે.
જ્યારે કાણોદર માં જ ફુડ વિભાગે નમસ્તે ફૂડ પ્રોડક્ટ્સ નામની ઘીની ફેક્ટરી પર પણ દરોડા પાડ્યા હતા. જેના માલિક ફિરોઝ હૈદર અઘારીયા વગર પરવાને ઘી નું ઉત્પાદન કરતા હોવાનું બહાર આવતા ફૂડ વિભાગે ઘી ના 06 સેમ્પલ લઈ બાકીનો રૂ.10.82 લાખની કિંમતનો 1754 કિલો ઘી નો જથ્થો જપ્ત કરાયો હતો. આમ, બન્ને ફેક્ટરીઓમાંથી કુલ રૂ.53 લાખની કિંમતનો 8200 કિલો ઘી નો જથ્થો જપ્ત કર્યો છે. જોકે, સેમ્પલનો પૃથક્કરણ અહેવાલ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું ફૂડ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
તંત્રએ નિયમિત ચેકીંગ કેમ ના કર્યું: જોકે, અગાઉ આ ફેકટરી માં 10 ઓક્ટોબર 2023 માં પણ સેમ્પલ લેવાયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં બે સેમ્પલ પણ ફેલ થયા હતા. આ શ્રીમૂલ ઘી નું ઉત્પાદન કરતી ફેક્ટરી છેલ્લા નવ વર્ષથી ચાલે છે. શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીમાં ત્રણ વાર સેમ્પલ પણ ફેલ થયા છે. ત્યારે શ્રીમૂલ ઘી ના ઉત્પાદકો ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ ઘી સપ્લાય કરે છે. અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની બુમરાણ મચી છે. જોકે, એક ફેકટરી તો વગર પરવાને ઘી નું ઉત્પાદન કરતી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. ત્યારે અગાઉ સેમ્પલ ફેલ થયા હોવા છતાં તંત્ર દ્વારા નિયમિત ચેકિંગ કેમ હાથ ધરવામાં ન આવ્યું તે સવાલ લોકોને અકળાવી રહ્યો છે.
પોલીસ કાર્યવાહીના સંકેત આપતા કલેકટર: જોકે, પુરવઠા વિભાગની રેડ બાદ સફાળા જાગેલા ફૂડ વિભાગે માલ જપ્ત કરી નીતિ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જોકે, જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળીયા તત્વો સામે કડક પગલાં ભરવાના સંકેત આપતા જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે, કાયદાકીય જોગવાઈઓનો અભ્યાસ કર્યા બાદ આવા તત્વો સામે પોલીસ ફરિયાદને આધારે કાનૂની સંકજો કરવામાં આવશે તેવું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.