બેંકમાંથી પૈસા ઉપાડનારા ગ્રાહકો માટે લાલત્તી સમો કિસ્સો : પાલનપુરમાં એક્ટિવાની ડેકીમાંથી રૂ.80,000ની ચોરી
ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ: પોલીસે હાથ ધરી તપાસ પાલનપુરમાં બેંકમાં નાણાં ઉપાડવા જતા ગ્રાહકો માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાલનપુર તાલુકાના ચડોતર ગામના એક સદગૃહસ્થ પોતાના પૌત્ર ના ઓપરેશનનું બિલ ભરવા માટે એસ.બી.આઈ. માંથી પૈસા ઉપાડી હોસ્પિટલ ગયા હતા. જ્યાં હોસ્પિટલ આગળ પાર્ક કરેલ એક્ટિવાની ડેકીમાંથી રૂ.80,000 ની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે, ચોરી કરનારા બે ભેજાબાજ યુવકો બેંકમાંથી રેકી કરતા હોવાનું અનુમાન થઈ રહ્યું છે.
પાલનપુર તાલુકાના ચડોતર ગામ ના દાનસુંગજી ઠાકોરના પૌત્રનું ઓપરેશન કરાવ્યું હોઈ તેઓ હોસ્પિટલનું બિલ ભરવા માટે જરૂરી નાણાં ઉપાડવા જૂની ગંજ બજાર સ્થિત એસ.બી.આઈ બેંક માંથી રૂ.1 લાખ ઉપાડ્યા હતા. તેઓએ રૂ.20,000 ખિસ્સામાં મૂકી બાકીના રૂ.80,000 એક્ટિવાની ડેકીમાં મૂકી કોઝી વિસ્તારમાં આવેલ હોસ્પિટલ બહાર એક્ટિવા પાર્ક કરી હોસ્પિટલમાં ગયા હતા.
દરમિયાન, બે ભેજાબાજ જાણે તેઓનો પીછો કરતા હોય તેમ આવીને એક યુવકે એક્ટિવાની ડેકી ઊંચી કરી હતી. જ્યારે બીજો યુવક રૂ.80,000 ભરેલી પ્લાસ્ટિકની થેલી લઈ ફરાર થઇ ગયો હતો. જોકે, સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.