
પાંથાવાડા સીપુ જુથ પાણી પુરવઠાની લાઈનમા ભંગાણ થતાં લાખો લીટર પાણીનો વેડફાટ
દાંતીવાડાના પાંથાવાડા હાઈવે પર આવેલ સીપુજૂથ પાણી પુરવઠા યોજના હેઠળ બનાવેલ શુધ્ધ પીવાના પાણીના સંપથી કુચાવાડા, લાખનાસર થઈ વિઠોદર તરફ જતી પાઈપલાઈનમા ભંગાણ થતાં લાખો લીટર પાણીનો વેડફાટ થવાના દૃશ્યો સર્જાયાં હતાં. બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર ર્નિભર વિસ્તાર છે. જેમા દર વર્ષે નહિવત વરસાદના કારણે ખેડુતોને ખેતી અને પશુપાલન માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ જિલ્લામાં ત્રણ ડેમો આવેલા છે પરંતુ નહિવત વરસાદને લઈ પાણીના તળ ઉંડા જતાં ઉનાળામા ખેતી અને પશુપાલનનો ઉછેર કરવામા કપરી પરિસ્થિતિ ઉભી થતી હોય છે.
જ્યારે ઉનાળામા તો પીવાના પાણી માટે પણ લોકો વલખાં મારતા હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સીપુજૂથ પાણી પુરવઠા યોજના થકી જનસુખાકારી માટે કરોડો રૂપિયાના ખર્ચે શુદ્ધ પીવાના પાણીનો પ્લાન્ટ ઊભો કરી ગામડે-ગામડે પાઈપલાઈન દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે અને તંત્ર દ્વારા તેની સારસંભાળ માટે કોન્ટ્રાક્ટ આપી મરામત તેમજ સાચવણી કરવાની હોય છે. ત્યારે તંત્રની ઘોર બેદરકારીને લઈ આ સીપુ જૂથ પાણી પુરવઠા યોજનામા અણધડ વહીવટને લઈ પીવાના પાણીની પાઈપલાઈનમા ઠેરઠેર ભંગાણ થતાં લાખો લીટર અમૂલ્ય પાણીનો વેડફાટ થતો જાેવા મળી રહ્યો છે.આ બાબતે એક જાગૃત નાગરિક દ્વારા પાઈપલાઈનમા ભંગાણ થતાં લાખો લીટર પાણીનો વેડફાટ થવાની જાણ થતાં સીપુ જૂથ પાણી પુરવઠા યોજનાના અઘિકારી રાકેશભાઈ ડાભીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે આ પાઈપલાઈન ૧૫ વર્ષ અગાઊ નાખેલી છે અને અત્યારે આ લાઇનનુ ટેમ્પરરી પાણી બંધ કરીને એક-બે દિવસમાં લાઇન મરામત કરીશુ અને ખિમ્મત લાઈનમાથી પાણી આપીશુ તેમ જણાવ્યું હતુ તો લાખો રૂપિયાના ટેન્ડર કરીને આ પાણીની લાઇન માટે મરામત કરવાં કોન્ટ્રાક્ટ આપવામા આવતા હોય છે તો પણ લાખો લીટર પાણીનો વેડફાટ કેમ ? તેવા અનેક સવાલો ઉભા થાય છે.