લાખણી માર્કેટયાર્ડની ચૂંટણી જાહેર થતા ગરમાવો : ચૂંટણીમાં 17 મીએ મતદાન અને 18 મી સપ્ટેમ્બરે મત ગણતરી હાથ ધરાશે
(અહેવાલ – દેવજી રાજપુત પ્રતાપ પરમાર )
ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સમર્થીત પેનલો વચ્ચે ખરાખરીના જંગની શકયતા: બનાસકાંઠા જિલ્લાના લાખણી ખાતે આવેલી મહાત્મા ગાંધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (માર્કેટયાર્ડ) ની ચૂંટણી જાહેર કરવામાં આવતાં ભર ચોમાસે રાજકીય ગરમાવો છવાયો છે.
જાહેરનામા મુજબ આવતીકાલે 5 સપ્ટેમ્બરના રોજ 16 ડિરેક્ટર માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.જેમાં ખેડૂત વિભાગમાં 10, વેપારી વિભાગમાં 4 અને સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગમાં 2 એમ મળી કુલ 16 ડિરેક્ટર માટે લાખણી ખાતેની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ઓફિસમાં ફોર્મ ભરવામાં આવશે.
આગામી 6 સપ્ટેમ્બરના રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. જ્યારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 9 સપ્ટેમ્બરના છે, જેનું મતદાન 17 સપ્ટેમ્બર અને મતગણતરી 18 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. માર્કેટયાડના ડિરેક્ટરોની ચૂંટણી ફરી યોજવાની જાહેર થતાં લાખણી પંથકમાં રાજકીય તેમજ સહકાર ક્ષેત્રમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. જો કે દર વખતે બિનહરીફ થતી લાખણી માર્કેટયાર્ડની ચૂંટણીમાં ગત ડિસેમ્બરમાં બિનહરીફ થઈ શકી નહોતી અને ખેડૂત વિભાગમાં 46 તેમજ વેપારી વિભાગમાં 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાવાની હતી.
પરંતુ એક ઉમેદવારનું મોત થતાં અને તેમનું ઉમેદવારી ફોર્મ રહી જતા ચૂંટણી રદ કરવામાં આવી હતી. પણ આ વખતે રાજકીય વિશ્લેષકોના મતે માર્કેટયાર્ડની ચૂંટણી બિનહરીફ થવી મુશ્કેલ છે અને ચૂંટણી ભાજપ તેમજ કોંગ્રેસ સમર્થિત બે પેનલો મજબૂતીથી સામસામે ટકરાશે તેવું જણાવી રહ્યા છે. જો કે હાલમાં લાખણી તાલુકાની અગ્રણી સહકારી સંસ્થાની ચૂંટણી બિનહરીફ કરાવવા આગેવાનોએ પ્રયાસો હાથ ધર્યા છે પરંતુ અનેક ઉમેદવારો સહકારી સંસ્થામાં જોડાવા થનગની રહ્યા છે. તેથી ચૂંટણીનો રોમાંચક જંગ જામશે તે નક્કી છે.
અગાઉ ચૂંટણી રદ કરવામાં આવી હતી: ડીસા માર્કેટયાર્ડમાંથી વિભાજન બાદ નવા અસ્તિત્વમાં આવેલ લાખણી માર્કેટયાર્ડના સંચાલક મંડળની ચૂંટણી યોજાઈ હતી.જેમાં બાબુભાઈ પાનકુટા (રબારી) એ પ્રથમ ચેરમેન બનવાનું શ્રેય મેળવ્યું હતું.ત્યારબાદ બીજી ટર્મની ચૂંટણીમાં ભાજપના દેવજીભાઈ રબારી ચેરમેન પદે આરૂઢ થયા હતા પણ તેમની સામે ખોટી ભરતીનો વિવાદ થતા આખું સંચાલક મંડળ સુપરસીડ કરી દેવાયુ હતું.ત્યારબાદ ગત ડિસેમ્બર માસમાં ચૂંટણી જાહેર થઈ હતી.જેમાં ખેડૂત અને વેપારી વિભાગની 14 બેઠક માટે 53 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ નિર્ધારીત થયો હતો પણ એક ઉમેદવારના અચાનક મોતને લઈ ચૂંટણી રદ કરવામાં આવી હતી અને હવે ફરી ચૂંટણી જાહેર થઈ છે.
ગત ચૂંટણીમાં ભાજપે મેન્ડેડ આપ્યા નહોતા: ગત ડિસેમ્બર મહિનામાં યોજાનારી ચૂંટણી રદ થઇ હતી. જેમાં ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષમાંથી કોઈ પણ પક્ષ પેનલ બનાવી શક્યું ન હતું. તેમજ ભાજપ દ્વારા સહકારી ચૂંટણીમાં પણ મેન્ડેડ આપવામાં આવતો હોય છે. પરંતુ છેલ્લે સુધી ભાજપ દ્વારા મેન્ડેડ આપવામાં આવ્યો ન હતો. હવે આ વખતે ભાજપ દ્વારા ચૂંટણી માટે મેન્ડેડ આપવામાં આવશે કે કેમ ? તે મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.
Tags election Lakhni Market Yard