
ડીસા સહિત જીલ્લામાં ખરીફ સીઝન લેવાની કામગીરી શરૂ
બનાસકાંઠા જિલ્લામાં ખરીફ સીઝન લેવાની કામગીરી શરૂ થતા માર્કેટયાર્ડઓમાં પણ નવી જણસીની આવક જોવા મળી રહી છે. જેમાં મગફળીનું હબ તરીકે જાણીતા ડીસા પંથકમાં ચોમાસું સિઝનમાં મગફળીના પાકનું સૌથી વધુ વાવેતર થવા પામ્યો છે. જેના કારણે ડીસા માર્કેટ યાર્ડમાં પણ દૈનિક મગફળીની આવકમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પણ મગફળી સહિત અન્ય પાકોના ટેકાના ભાવો જાહેર કરાયા છે ત્યારે આ વર્ષે ખેડૂતોને મગફળીના પાકનો સારો ભાવ મળવાની આશા બંધાઈ છે ગતરોજ ગુરૂવારના ડીસા માર્કેટ યાર્ડમાં ૩ બોડીની આવક સાથે ૩૩૭૨ બોરી આવક નોંધાઇ હતી અને ખેડૂતોને પ્રતિમણ ૧૨૧૧ થી ૧૫૩૧ સુધી ના ઊંચા ભાવો મળ્યા હતા. આગામી સમયમાં પણ માર્કેટ યાર્ડમાં મગફળીની આવકમાં વધારો થશે તેમ વેપારીઓ જણાવ્યું હતું. ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી વીસીઈ મારફતે નાફેડ ઇ- સમૃદ્ધિ પાર્ટલ પર ૨૫ સપ્ટેમ્બર થી ૧૬ ઓક્ટોબર સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકાશે. જેમાં ખેડૂતોએ ૭/૧૨ અને ૮ અ ના ઉતારા તલાટીનો દાખલો આધાર કાર્ડ અને બેંકની ખાતાની પાસબુક સાથે નોંધણી ૧૬ ઓક્ટોબર સુધી કરાવી શકાશે.
રાજ્ય સરકાર દ્વારા મગફળીનો ૧૨૭૫.૪૦ ટેકાનો ભાવ જાહેર કર્યો
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાકોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવો જાહેર કર્યા છે. જેમાં ખરીફ સિઝનમાં મગફળી મગ અને અડદના ટેકાના ભાવે ખરીદી કરવાનો ર્નિણય કર્યો છે ત્યારે મગફળીના ખેડૂતોને રૂપિયા ૧,૨૭૫.૪૦ ના ભાવે રાજ્ય સરકાર ખરીદી કરશે જ્યારે મગના ભાવ રૂપિયા ૧૭૧૧.૬૦ અને અડદના ભાવ રૂપિયા ૧૩૯૦ ના ભાવે ખરીદી કરી શકાશે. નોંધનીય છે કે, ડીસા માર્કેટ યાર્ડમાં પણ દૈનિક મગફળીની આવકમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પણ મગફળી સહિત અન્ય પાકોના ટેકાના ભાવો જાહેર કરાયા છે ત્યારે આ વર્ષે ખેડૂતોને મગફળીના પાકનો સારો ભાવ મળવાની આશા બંધાઈ છે.
આ વર્ષે જીલ્લામાં મગફળીનુ ૧,૪૮,૬૩૬ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે
બનાસકાંઠા જિલ્લામાં ચોમાસુ સિઝનમાં મગફળીનું મોટાભાગે વાવેતર થતું હોય છે. જેમાં આ વર્ષે ગત સરખામણી કરતા વાવેતર વિસ્તાર વધ્યો છે. જેમાં વર્ષ ૨૦૨૨ માં સમગ્ર જિલ્લામાં ૧,૨૫,૯૪૩ હેક્ટરમાં જ વાવેતર થયું હતું જ્યારે ચાલુ વર્ષે ૧૪૮૬૩૬ વાવેતર થવા પામ્યું છે એટલે કે આ વર્ષે જિલ્લામાં વધુ જોવા મળી રહ્યું છે.