વાવના ભાચલી ગામે કપાતર પુત્રએ માતાની હત્યા કરી
રખેવાળ ન્યુઝ વાવ : વાવ તાલુકાના ભાચલી ગામે ગઈકાલે તા.ર૦-૬-ર૦ના રોજ વ્હેલી સવારે ખુદ પુત્રે જ માતાને પેટમાં છરીના ઘા ઝીકી ક્રુર હત્યા કરી દેતા અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે. સત્તાવાર પ્રાપ્ત વિગતો અનુસાર વાવ તાલુકાના ભાચલી ગામે રહેતો ભરતભાઈ શ્રીરામભાઈ નાનજીભાઈ બ્રાહ્મણ જે રખડું અને ધંધા કરતો ન હોઈ તેમજ તેનો ભૂતકાળ બહુ ખરાબ હોઈ તેના ઉપર પોલીસના કેટલાક ગુનાઓ હોઈ તેની છબી ખરડાયેલી છે. ગતરોજ તેની માતા જાડે પૈસા લેવાની બાબતે બોલાચાલી થયેલ હોઈ એકદમ ઉશ્કેરાઈ જઈ આવેશમાં આવી તેની માતા નાવીબેન શ્રીરામભાઈ બ્રાહ્મણ(ઉ.વ.પ૮)ના પેટના ભાગે છરીના પાંચ ઘા મારી મોત નીપજાવી અને ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ફરિયાદી જગાભાઈ નાજીભાઈ બ્રાહ્મણ ની ફરિયાદના આધારે પોલીસે ભરતભાઈ શ્રીરામભાઈ જાષી વિરૂધ્ધ ઈ.પી.કો. કલમ નં ૩૦ર તેમજ બ.કાં. હથીયાર બંધી જાહેર નામાના ભંગ બદલ ૧૩પ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ વાવ પોલીસ મથકના ઈન્ચાર્જ પી.એસ.આઈ. એચ.બી.પરમાર ચલાવી રહ્યાં છે. જાેકે પોલીસે ગણતરીના કલાકોમાં સાંજે હત્યારાને ઝડપી લઈ જેલ હવાલે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીએ સગી જનેતાના પેટમાં ખંજરના ઘા ઝીંકી ક્રુર હત્યા કરતા આવા નરાધમ પ્રત્યે ફીટકારની લાગણી ઉદભવી છે. આરોપીનો ઈતિહાસ બહુ જ ખરડાયેલો છે. વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ છે. વધુમાં પોલીસ કસ્ટડીમાંથી પણ ફરાર થઈ જતાં તેના વિરૂધ્ધ ગુનો નોંધાયેલ છે. તેમજ વાવ શહેરના એક નામાંકીત જવેલર્સ માંથી સોનાની ચેનની પણ છેતરપીંડી કરેલ છે. આમ તેના ઉપર વિવિધ પ્રકારના ગુનાઓ છે.