
પશુપાલક મહિલાના સંઘર્ષમય જીવન પર મીરા ફિલ્મ રિલીઝ થતા જ મહિલાઓમાં આનંદ
બનાસડેરીના આયોજન પ્રમાણે સ્થાનિક દૂધ મંડળીના સહયોગ સાથે વિના મૂલ્યે પશુપાલક મહિલાઓને મીરા ફિલ્મ બતાવવામાં આવી રહી છે. ત્યારે ધાનેરામાં ગતરોજ ધાનેરાના મામલતદાર સાજનભાઈ મેર અને ધાનેરા પોલીસ ઇન્સ્પેકટર એ.ટી.પટેલ એ પશુપાલક મહિલાઓને મીરા ફિલ્મ જોવા માટે શુભેચ્છાઓ આપી હતી. ધાનેરા બનાસડેરીના વિસ્તરણ અધિકારી નવિનભાઈ શ્રાવગ દ્વારા અલગ અલગ ગામોના રૂટો બનાવી મહિલાઓને મીરા ફિલ્મ બતાવવામાં આવી રહી છે.
ગ્રામીણ સંસ્કૃતિને જીવત કરવાની સાથે અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપતી આ ફિલ્મ મહિલાઓને વધુ પસંદ આવી રહી છે. કારણ કે જે મહિલાઓ વર્ષોથી પશુપાલનનો વ્યવસાય કરી રહી છે એ મહિલાઓનું જીવન ચરિત્ર એક ફિલ્મના આધારે રજૂ કરવામાં આવ્યું છે. સાથે બનાસડેરી દ્વારા પશુપાલકો ઉત્થાન માટે જે ર્નિણયો લેવાય છે એ વિષય ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. ધાનેરા મામલદાર સાજનભાઈ મેર એ પશુપાલન કરતી મહિલાઓને મીરા ફિલ્મમાંથી પ્રેરણા લઈ દૂધના વ્યવસાયને આગળ વધારવા માટે વિનંતી કરી હતી. બનાસકાંઠા જિલ્લામા સૌથી વધારે દૂધની આવક ધરાવતો તાલુકો હોય તો તે ધાનેરા છે. તો બીજી તરફ બનાસડેરી સાથે સ્થાનિક દૂધ મંડળીના સહયોગ સાથે વિના મૂલ્યે ફિલ્મ બતાવવાનું નક્કી કરાયું છે. જેને લઇ પશુપાલક મહિલાઓમાં ભારે આનંદ છે. પોતાની દિન ચર્યા પર આધારિત ફિલ્મ જોઈને પશુપાલક મહિલાઓ રાજીપો વ્યક્ત કરી રહી છે.