પાલનપુર-ડીસા હાઇવે પર સેવાની સરવાણી વહાવતો જય અંબે સેવા કેમ્પ
ચા-કોફી, નાસ્તો, ભોજન, આરામ, મોબાઈલ ચાર્જીગ અને મેડિકલ સુવિધાઓનો લાભ લેતા યાત્રિકો
અંબાજી ભાદરવી પૂનમના મહામેળાને લઈને જતા પગપાળા યાત્રિકો માટે ઠેરઠેર સેવાકેમ્પ થતા હોય છે. ત્યારે પાલનપુરના ડીસા હાઇવે પર જલારામ મંદિર પાસે જયં અંબે મિત્ર મંડળ દ્વારા જય અંબે સેવા કેમ્પ શરૂ કરાયો છે. જે સેવાની અવિરત સરવાણી વહાવી રહ્યો છે.
ભાદરવી પૂનમના મહામેળાને લઈને અંબાજી જતા પદયાત્રિકો માટે ડીસા હાઇવે પર જલારામ મંદિરના પ્રાંગણમાં જય અંબે સેવા કેમ્પ નામે સૌથી વિશાળ સેવા કેમ્પ શરૂ કરાયો છે. 24 કલાક ધમધમતા આ સેવા કેમ્પમાં ચા-કોફી, બુંદી અને ગાંઠિયાનો નાસ્તો, લીંબુ સરબત, છાશ, બપોરે જમવામાં રોટલી-શાક, બુંદી, ગાંઠિયા, દાળ-ભાત, છાશ અને સાંજે ખીચડી-કઢી, નાહવા ધોવાની, મોબાઈલ ચાર્જીગ, ગરમ પાણી અને મેડિકલ સેવા સહિત આરામ કરવાની વ્યવસ્થા કરાઈ છે. જેનો મોટી સંખ્યામાં યાત્રિકો લાભ લે તેવો અનુરોધ આયોજકો એ કર્યો છે.
છેલ્લા છ વર્ષથી આ સેવા કેમ્પ ધમધમી રહ્યો છે. જેમાં ગરમા ગરમ ભોજન, નાસ્તા, રહેઠાણ સાથે પદયાત્રિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું ધ્યાન સેવા કેમ્પના આયોજકો રાખી રહ્યા છે.
કલાકમાં 800 રોટલી: અંબાજી જતા પગપાળા યાત્રિકો માટે પાલનપુર-ડીસા હાઇવે પરનો જય અંબે સેવા કેમ્પ તમામ સુવિધાઓ સભર સેવા કેમ્પ છે. 24 કલાક સેવાની સરવાણી વહાવતા સેવા કેમ્પમાં યાત્રિકોના ધસારાને પહોંચી વળવા માટે રોટલી બનાવવાનું મશીન લાવવામાં આવ્યું છે. જેમાં એક કલાકમાં 800 ફુલકા રોટલી ઉતરી રહી છે.