ભીખ માંગવાને બદલે કલા થકી પેટિયું રળતી ભાઈ-બહેનની જોડી
આપણે રોજિંદા જીવનમાં કેટલાય લોકોને ભીખ માંગીને પેટનો ખાડો પૂરતા જોયા હશે. ત્યારે વડગામ તાલુકાના ખરોડીયા ગામની ભાઈ અને પ્રજ્ઞાચક્ષુ બહેનની જોડી પોતાની કલાને સહારે પેટિયું રળી જીવન નિર્વાહ કરી રહી છે.સમાજ જીવનમાં આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે, કામ ધંધો ન મળતા લોકો ચોરી-ચકારીને રવાડે ચડતા હોય છે. તો ઘણીવાર મજૂરી કરવાને બદલે ભીખ માગીને પેટનો ખાડો પૂરતા હોય છે. ત્યારે વડગામ તાલુકાના ખરોડીયા ગામના ભરથરી પરિવારનો રમેશ અને તેની પ્રજ્ઞાચક્ષુ બહેન ગીતા લાચારીનું જીવન જીવવા ને બદલે સ્વમાનભેર જીવન જીવવાનો માર્ગ અપનાવ્યો છે. આ ભાઈ-બહેન છેલ્લા ૧૫ વર્ષથી રાવણ હથ્થા પર અવનવા સંગીત રેલાવીને લોકોનું મનોરંજન પૂરું પાડી પોતાની આજીવિકા રળી રહ્યા છે.રાવણ હથ્થા પર ગુજરાતી-હિન્દી ફિલ્મોનું સંગીત પીરસતા ભાઈ રમેશ સાથે તેની પ્રજ્ઞાચક્ષુ બહેન પડછાયાની જેમ સાથે રહી હૂંફ પુરી પાડી રહી છે. તો ભાઈ પણ બહેન સહિત પરિવારનું પોષણ કરી રહ્યો છે. જોકે, આ ભાઈ બહેનની જોડીને લોકો પણ ઉદાર હાથે મદદ કરી રહ્યા હોઈ તેઓની જીવન નૈયા પાર પડી રહી છે.