ડીસામાં 6 ગાયનેક હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની તપાસ
બનાસકાંઠા જિલ્લામાં સ્ત્રી જન્મદરનું પ્રમાણ ખુબજ ઓછું છે. તેમજ હોસ્પિટલોમાં ગર્ભનું જાતિ પરીક્ષણ થતું હોવાની ફરિયાદોને પગલે આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જયેશ પટેલ, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. જે.એચ. હરિયાણી તેમજ ડીસા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. પી.એચ ચૌધરી સહિત આરોગ્ય વિભાગની ટીમે ડીસાની ગાયનેક હોસ્પિટલોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આરોગ્યની ટીમે કુલ છ જેટલી હોસ્પિટલોમાં ચેકિંગ કરતા હોસ્પિટલોમાં ઓનલાઈન અને ઓફલાઈન ફોર્મ ભરવામાં અનિયમિતતા જણાઈ આવી હતી.જ્યારે ત્રણ હોસ્પિટલોમાં સોનોગ્રાફી મશીનના નિભાવણી રજીસ્ટરમાં અનિયમિતતા તેમજ તબીબની હાજરી ન હોવા છતાં સોનોગ્રાફી મશીન ખુલ્લું રાખવા સહિત અનેક બાબતોમાં કાયદાકીય જોગવાઈઓનો ભંગ થતો હોવાનું જણાયું હતું. જેથી આરોગ્ય વિભાગે માં હોસ્પિટલ, જનની હોસ્પિટલ તેમજ બાલાજી હોસ્પિટલ સહિત ત્રણ હોસ્પિટલના સોનોગ્રાફી મશીનો સીલ કર્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જયેશ પટેલે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં સ્ત્રી જન્મદરનો રેસીયો ઓછો છે. જેથી ગાયનેક હોસ્પિટલોમાં ગર્ભનું જાતિ પરીક્ષણ થતું હોવાનું તેમજ પીસી અને પીએનડીટી એક્ટનો ભંગ થતો હોવાનું જાણવા મળતા આરોગ્ય વિભાગની ટીમોએ ઓચિંતી રેડ કરી હતી. જેમાં છ જેટલી હોસ્પિટલોમાં રેકોર્ડ અને રિપોર્ટની ચકાસણી કરતા હોસ્પિટલમાં અલગ અલગ ભૂલો જણાઈ આવી હતી. તેમજ ત્રણ જગ્યાએ કાયદાનો ભંગ થતા ત્રણ સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા છે. સોનોગ્રાફી મશીન સીલ કર્યા બાદ રોજ કામ કરી કાયદામાં કઈ રીતે ભંગ થયો છે તે પ્રમાણે હોસ્પિટલને નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરાશે.