બનાસકાંઠા જિલ્લામાં રીક્ષા ઓનો ફુગાવો : પરમીટ બંધ કરવા માંગ
ગુનાખોરી અને ટ્રાફિકની સમસ્યાને નાથવા બનાસકાંઠા ઓટો રીક્ષા સંઘર્ષ સમિતિ મેદાનમાં
ડ્રાઇવિંગ લાઇસન્સ વગર આર.ટી.ઓ.માં રજિસ્ટ્રેશન ન કરવાની માંગ
કલેકટરને આવેદનપત્ર આપ્યુ: માંગણીઓ નહિ સંતોષાય તો આંદોલનની ચીમકી: બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર સહિત જિલ્લાભરમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. ત્યારે વધતી જતી ગુનાખોરી અને ટ્રાફિક સમસ્યાને નાથવા માટે બનાસકાંઠા ઓટો રીક્ષા સંઘર્ષ સમિતિ મેદાનમાં આવી છે. જિલ્લામાં રીક્ષાઓના ફુગાવાને ધ્યાનમાં લઈ નવી રીક્ષાઓનું પરમીટ બંધ કરવા અને ડ્રાઇવિંગ લાઇસન્સ વગર રિક્ષાઓનું રજિસ્ટ્રેશન ન કરવાં સહિતની માંગને લઈને રીક્ષા ચાલકોએ કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં માંગણીઓ નહિ સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા ટ્રાફિક વચ્ચે રોજબરોજ રીક્ષાઓ માર્કેટમાં આવતી જાય છે. જિલ્લામાં વધતી રિક્ષાઓની સંખ્યાને લઈને રીક્ષાઓમાં થઈ રહેલા ફુગાવાને લઈને બનાસકાંઠા ઓટો સંઘર્ષ સમિતિએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા અને રીક્ષાઓના માધ્યમથી થતી ગુણખોરીને કારણે નિર્દોષ રીક્ષા ચાલકો દંડાતા હોઈ નવી રીક્ષાઓ ના પરમીટ બંધ કરવાની સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ વગર આરટીઓમાં નવી રીક્ષાઓનું રજિસ્ટ્રેશન નહિ કરવાની માંગ કરી છે. જોકે, રીક્ષા ચાલકોએ પોતાની માંગણીઓ નહિ સંતોષાય તો રાજ્યવ્યાપી આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.
આરટીઓ-પોલીસની રહેમ નજર તળે રીક્ષા ચાલકો બેફામ: આ ઉપરાંત જિલ્લામાં ટ્રાફિક પોલીસ અને આરટીઓની રહેમ નજર તળે ડ્રાઇવિંગ લાઈસન્સ વિના લબરમુછીયા રીક્ષા ચાલકો વધતા જાય છે. લાઇસન્સ વગરના રીક્ષા ચાલકો દ્વારા થતા અકસ્માતોમાં વીમા કંપનીઓ ક્લેઇમ ચૂકતી નથી. અને નિર્દોષ માનવ જિંદગીઓ હોમાઈ રહી છે. ત્યારે વધતા જતા અકસ્માતો માટે આરટીઓ અને પોલીસને જવાબદાર ઠેરવતા ઓટો રીક્ષા સંઘર્ષ સમિતિએ રીક્ષા ચાલક પાસે ફરજિયાત ડ્રાઇવિંગ લાઇસન્સ હોવાની સાથે લાઇસન્સ વગર આરટીઓમાં નવી રિક્ષાઓનું રજુસ્ટ્રેશન બંધ કરવાની માંગ કરી હતી.