પાલનપુર ફિલ્ડ રિપોર્ટર્સનો પદગ્રહણ સમારોહ યોજાયો
સામાજિક દાયિત્વની નેમ સાથે ફિલ્ડમાં કાર્યરત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જાગૃત પત્રકારમિત્રોના સંગઠન ફિલ્ડ રિપોર્ટર્સ, પાલનપુરનો ૧૪મો પદગ્રહણ સમારોહ પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં હરિભાઈ ચૌધરીએ ટીમ ફિલ્ડ રિપોર્ટર્સને પદગ્રહણ કરાવ્યું હતું. જ્યારે બનાસકાંઠાના નાયબ માહિતી નિયામક અમિત ગઢવીએ શપથગ્રહણ કરાવ્યા હતા. આમ ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુરના પદગ્રહણ સમારોહના પ્રારંભમાં પ્રાર્થના, દીપ પ્રાગટય બાદ શાબ્દિક સ્વાગત મહામંત્રી મુકેશભાઈ ઠાકોરે કર્યું હતું. જ્યારે કાર્યક્રમના અધ્યક્ષ પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી અને મુખ્ય મહેમાન નાયબ માહિતી નિયામક અમિત ગઢવી અને સ્થાપક પ્રમુખ સંજય જોશીનું પુષ્પગુચ્છ, શાલ ઓઢાડી તેમજ મોમેન્ટો આપી સ્વાગત કરાયું હતું. આ સિવાય ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.આ કાર્યક્રમના અધ્યક્ષ પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ ફિલ્ડ રિપોર્ટર્સની સામાજિક દાયિત્વની પ્રવૃત્તિને બિરદાવતા સરકારની જનકલ્યાણની વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો હતો. આ સિવાય તેમણે પત્રકાર મિત્રોને પણ પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના અને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લેવાનો અનુરોધ કરતા ફિલ્ડ રિપોર્ટર્સ વધુ પ્રગતિના શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે મુખ્ય મહેમાન નાયબ માહિતી નિયામક અમિત ગઢવીએ જણાવ્યું હતુ કે સોશિયલ મીડિયાના વધતા જતા પ્રભાવ વચ્ચે સમાચારોની વિશ્વનિયતા ખૂબ મોટો પડકાર બન્યો છે ત્યારે ફિલ્ડ રિપોર્ટર્સના પત્રકાર મિત્રો રચનાત્મક અભિગમ સાથે સરકાર અને પ્રજા વચ્ચે સેતુરૂપ બની રહ્યા છે. ત્યારે તેમણે ફિલ્ડ રિપોર્ટર્સની કામગીરીને બિરદાવી પ્રજાના પ્રશ્નોને વાચા આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે સ્થાપક પ્રમુખ સંજય જોશીએ જણાવ્યું હતું કે લોકશાહીનો ચોથો સ્થંભ ગણાતા પત્રકાર મિત્રો પણ સમાજનું અભિન્ન અંગ છે, ત્યારે ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુર સામાજિક દાયિત્વ નિભાવવાની નેમ સાથે પત્રકારત્વના નૈતિક મૂલ્યોના જતન અર્થે કાર્યરત છે. ત્યારે આ પ્રસંગે નાયબ માહિતી નિયામક અમિત ગઢવીએ ટીમ ફિલ્ડ રિપોર્ટર્સના પ્રમુખ મહેશભાઈ પ્રજાપતિ અને મહામંત્રી મુકેશભાઈ ઠાકોર સહિતની ટીમને શપથગ્રહણ કરાવ્યા હતા. જ્યારે પૂર્વ કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ ટીમ ફિલ્ડ રિપોર્ટર્સને કલમ રૂપી સ્મૃતિ ચિન્હ આપી પદગ્રહણ કરાવ્યું હતું.જે કાર્યક્રમના અંતમાં આભારવિધિ દિવ્ય ભાસ્કરના બ્યુરો ચીફ નરેશભાઈ ચૌહાણે કરી હતી. જ્યારે સફળ સંચાલન જાણીતા એન્કર મયુરભાઈ જોશીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં માહિતી ખાતાના સિનિયર સબ એડિટર રેસુંગ ચૌહાણ, નગરપાલિકાના પદાધિકારીઓ, પ્રબુધ્ધ નાગરિકો તેમજ ફિલ્ડ રીપોર્ટસ પાલનપુરના સભ્યો તેમજ તેમના પરિવારજનો ઉપસ્થિત
રહ્યા હતા.