દુષ્કર્મ ના કેસમાં આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ ફટકાર્યો
થરાદ તાલુકાના એક ગામની 15 વર્ષિય સગીરા સાથે મૂળ મધ્યપ્રદેશના અને સુરત રહેતા શખસે તા.19 જાન્યુઆરી-2022 ના રોજ સગીરાના ગામમાં આવી દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાતા આ કેસ કોર્ટમાં ચાલી જતાં આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ ફટકાર્યો હતો. તેમજ ભોગ બનનાર સગીરાને રૂ. સાત લાખ ચૂકવવાનો હૂકમ કરાયો હતો.
થરાદ તાલુકાના એક ગામની અભ્યાસ કરતી 15 વર્ષિય સગીરાને ફેસબુક દ્વારા સુરેન્દ્ર પરસારામ શ્રીવાસ (રાજપૂત) (મૂળ રહે.મધ્યપ્રદેશ, હાલ રહે.સુરત) સાથે દોસ્તી થઇ હતી. ત્યારે આરોપી સુરેન્દ્ર એક દિવસ સગીરાને મળવા તેના ગામમાં આવ્યો હતો. અને સગીરાને એક રાયડાના ખેતરમાં લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની જાણ સગીરાએ તેના માતા-પિતાને કરી હતી. જેથી માતા-પિતા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી. જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ આર.ડી. જોશીની દલીલોને જજે માન્ય રાખી હતી.અને આરોપી સુરેન્દ્ર શ્રીવાસને 20 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો હતો. તેમજ દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાને રૂ. સાત લાખ ચૂકવવાનો હૂકમ કરાયો હતો.