ડીસા પાલિકાની સામાન્ય સભામાં મહિલા પ્રમુખ સામે ભાજપના જ સભ્યોનો હંગામો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા નગરપાલિકામાં બીજા ટર્મની પ્રથમ સામાન્ય સભામાં નવા વરાયેલા પ્રમુખ સંગીતાબેન દવે અને મહિલા કોર્પોરેટરો સામે ખુદ ભાજપના જ કોર્પોરેટરો અને એક અપક્ષ સદસ્યએ ભારે હંગામો મચાવી ધાક ધમકીઓ આપી સ્ત્રી શક્તિનું અપમાન કરી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. મહિલા પ્રમુખ અને સદસ્યોએ આ બાબતે પાર્ટીમાં રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું. ડીસા નગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષની મુદત પૂર્ણ થતા બીજા અઢી વર્ષના પ્રમુખ તરીકે સંગીતાબેન પ્રકાશભાઈ દવેની નિમણૂક થયા બાદ આજે સોમવારે પાલિકાની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. આ સામાન્ય સભામાં ભાજપના જ કેટલાક સદસ્યો અને અપક્ષ સદસ્ય પ્રિ પ્લાનિંગ કરીને હંગામો મચાવશે તેવી
પહેલેથી જ શક્યતા હતી.


બોર્ડની શરૂઆત થતા જ મહિલા પ્રમુખ સંગીતાબેન દવેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં મહિલા બીલ રજૂ કરી ૩૩ ટકા અનામત આપવાના પ્રસ્તાવને રજૂ કરતા સર્વ સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા. જાેકે ત્યારબાદ તુરંત જ સામાન્ય સભાની કાર્ય વાહીની શરૂઆત થતા અપક્ષ સદસ્ય રમેશ રાણા તેમજ ભાજપના જ કેટલાક કોર્પોરેટરો દ્વારા પ્રમુખ સામે એકસાથે રીતસર પ્રશ્નોની ઝડી વરસાવી હતી. પ્રમુખે તેઓને એક બાદ એક જવાબ આપવા જણાવતા સભ્યો મંચ પર ઘસી આવ્યા હતા. જેથી કેટલાક મહિલા સદસ્યો પણ પ્રમુખ તરફે થતા રજુઆત કરનાર સભ્યોએ રીતસરની ધમાચકડી મચાવી હતી. જેથી ભારે હંગામા વચ્ચે પ્રમુખે સામાન્ય સભાની કાર્યવાહીનું વંચાણ કરી બોર્ડ પૂર્ણ જાહેર કરી દીધું હતું.આ અંગે મહિલા સદસ્ય નયનાબેન સોલંકી અને છાયાબેન નાઈએ જણાવ્યું હતું કે, એકતરફ દેશના વડાપ્રધાન મહિલા બીલ સંસદમાં લાવી નારી શક્તિને ઉજાગર કરવાનું કામ કરે છે ત્યારે આજે અપક્ષ અને ભાજપના પુરૂષ સદસ્યોએ પાલિકાના બોર્ડમાં મહિલાઓનું અપમાન કરી મહિલા સદસ્યોને ધમકી આપી રોફ જમાવી તેમની ગરિમા છીનવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે અમે ભાજપ પક્ષમાં પણ રજૂઆત કરીશું.જ્યારે આ અંગે પાલિકાના મહિલા પ્રમુખ સંગીતાબેન દવેએ જણાવ્યું હતું કે બોર્ડની કામગીરી શાંતિપૂર્ણ શરૂ થતાં જ અપક્ષ સહિતના સભ્યો પૂર્વ પ્લાનિંગ કરીને પોતાની રજૂઆત કરવા સ્ટેજ પર ધસી આવી રીતસરનો હંગામો મચાવ્યો હતો અને ખૂબ જ બેહુદુ વર્તન કરી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.