
લાખણી સહિત જિલ્લામાં સાદી ઇંટોના મુકાબલે આરસીસી ઈંટોનો વપરાશ વધ્યો
મોંઘવારીના જમાનામાં આજે રહેવા માટે ઘર બનાવવું પણ પરવડે તેમ નથી કારણ કે ઘર બનાવવામાં વપરાતી દરેક ચીજ વસ્તુઓના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા છે. એટલું જ નહીં, ઘરના બાંધકામમાં મૂળભૂત ગણાતી ઈંટો મોંઘીદાટ બની ગઈ છે તેથી ઈંટોના વિકલ્પ રૂપે છેલ્લા ઘણા સમયથી આરસીસી (બ્લોકસ) ની ઈંટોનો વપરાશ વધી પડ્યો છે જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે ફાયદેમંદ પુરવાર થયો છે. આજકાલ રિયલ એસ્ટેટનો જમાનો છે અત્યાધુનિક મકાનોની નવી નવી સ્કીમો જાહેર થઈ રહી છે પરંતુ બિલ્ડરોને ભાવ વધારો નડતો નથી પણ ગરીબ અને મધ્યમ વર્ગને ઈંટોનો કમરતોડ ભાવ વધારો પોસાય તેમ નથી. તેથી ઇંટોના વિકલ્પ રૂપે છેલ્લા ઘણા સમયથી આરસીસીની ઈંટો- બ્લોકસ તરફ લોકો આકર્ષાયા છે. જેના કારણે શહેરો જ નહીં પણ ગામડાઓમાં પણ આરસીસીની અલગ અલગ સાઈઝની ઈંટો બનાવતી મીની ફેક્ટરીઓ ગૃહ ઉદ્યોગ રૂપે ધમધમવા લાગી છે. એટલું જ નહીં , શ્રમજીવી વર્ગ તો સિમેન્ટ અને નદીની રેતી લાવી ઘરે જરૂરિયાત પૂરતી ઈંટો પાડવા લાગ્યા છે આરસીસીની ઈંટો માટીની ઈંટોના મુકાબલે ઘણી સસ્તી પડે છે તેથી તેની માંગ વધી પડી છે અને હવે કમ્પાઉન્ડની દીવાલ જ નહીં પણ ઘરો પણ આરસીસીની ઈંટોથી બનવા લાગ્યા છે.જેના કારણે આરસીસીની ટકાઉ અને મજબૂત ઈંટોનો વપરાશ દિન-પ્રતિદિન વધી રહ્યો છે.