દીઓદર પંથકમાં દારૂ જુગારની બદીએ માઝા મુકી
રખેવાળ ન્યૂઝ દીઓદર : દીઓદર પંથકમાં વિદેશી દારૂના ઠેર ઠેર અડ્ડાઓ છે. તેમજ જુગાર પણ ખુલ્લેઆમ લુદરા, કોતરવાડા, દીઓદરમાં રમાય છે. પોલીસ તંત્ર જાણે કે ગાઢ નિંદ્રામાં હોય કે પછી કોઈ વજનતળે દબાયેલ હોય તેમ આ પંથકમાં અસામાજીક પ્રવૃતિઓને છુટો દોર અપાઈ રહ્યો છે. દીઓદર પોલીસસ્ટેશને ફરીયાદ કરવા જતાં ફરીયાદી પણ ગભરાય છે કે રોકડીયા વિરની જય અહીં ખુબ બોલાઈ રહી છે. દીઓદર પોલીસ જાણે કે કોરોનામાં અટવાઈ ગઈ છે શું ? બહારની પોલીસ આવી અહીં ચાલતી બે નંબરી પ્રવૃતિઓ ને રોકે છે જ્યારે સ્થાનિક પોલીસ નોંધણીમાં અટવાઈ છે.
ગતરોજ એલ.સી.બી.પોલીસે દીઓદર તાલુકાના કોતરવાડા ગામે ચરેડા વિસ્તારમાં જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી પાડેલ. તેમજ સમયનો લાગ લઈને બે ઈસમો ભાગી છુટવામાં સફળ થયેલ. પોલીસે ર૪૬૦/- જુગાર રમતના પૈસા તથા રૂ.૭૭૭૦/- ગજવાની રકમ સહિત મોબાઈલ તથા બે બાઈક સહિત કુલ રૂ.પ૦ હજાર આસપાસનો મુદામાલ કબ્જે કરેલ. જે ત્રણ ઈસમો જયરામ તલાજી ઠાકોર, પ્રતાપજી લખમણજી ઠાકોર, બંન્ને રહે.કોતરવાડા તથા લખમણજી જાઈતાજી ઠા.(ફાફરાળી) ની ઘરપકડ કરેલ. તેમજ ભાગી છુટેલા દિનેશ હરચંદજી ઠાકોર (ફાફરાળી), બળવંતજી રામચંદજી ઠા.(કોતરવાડા), સહિત તમામ સામે જુગારધારા કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
જિલ્લા પોલીસ વડાએ જે વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા છે. તેની એલ.સી.બી.જેવી ટુકડીઓ સાથે તપાસ કરાવી આરામ મેળવતા અને માત્ર રોકડીયા વીરની જય બોલાવતા પોલીસ કર્મીઓ સાથે લાલ આંખ કરવી જરૂરી છે.