પાલનપુરમાં સામાન્ય વરસાદમાં બેટમાં ફેરવાતા હાઇવે પર ટ્રાફિક જામ થયો
પાલનપુરમાં સામાન્ય વરસાદને પગલે આબુ હાઇવે પર વરસાદી પાણી ભરાઈ જતા ટ્રાફિક જામ થવાની સાથે એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જ્યારે કેટલાય વાહનો ખોટવાઈ જતા સ્થિતિ નર્કાગાર બની છે. નેશનલ હાઇવે પાણીમાં ગરકાવ થઈ જતા વાહનોની લાંબી કતાર વચ્ચે વાહન ચાલકો અટવાઈ જતા લોકોએ તંત્ર સામે ફિટકારની લાગણી વરસાવી હતી. પાલનપુર શહેરમાં તંત્રની અણઆવડત અને નઘરોળ શાસકોના પાપે ચોમાસુ આવતા જ પાલનપુર વાસીઓના જીવ તાળવે ચોંટી જાય છે. પાલનપુરમાં એકાદ ઇંચ વરસાદને પગલે પણ આબુ-દિલ્હી જતો નેશનલ હાઇવે બેટમાં ફેરવાઈ જાય છે. ગત રાત્રે માત્ર એક ઇંચ વરસાદને પગલે શહેરના આબુ હાઇવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ના નિકાલના અભાવે રોડ પર ખાડા પડી ગયા છે. ત્યારે આજે એક ટ્રક ખાડામાં ખાબકતા પલટી ખાઈ ગઈ હતી. જ્યારે અન્ય વાહનો ખોટવાઈ જતા ટ્રાફિક જામ થતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા હતા. આબુ હાઇવે પર વરસાદી પાણી ભરાતા પાલનપુરમાં ૫ કિલો મીટર લાંબી વાહનોની કતાર લાગી છે. કલાકો સુધી ટ્રાફિક જામ થતા વાહન ચાલકો પણ અકળાઈ ઉઠ્યા છે. વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને દવાખાને જતા દર્દીઓની હાલત કફોડી બની છે.