પાલનપુરમાં સુખડીયા પરિવારે ભગવાનનું મામેરું ભર્યું : પરિવારે રૂ.4.51 લાખનું મોસાળું કર્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

મોસાળમાંથી ભગવાન નિજ મંદિરે પરત ફર્યા: આજે ભગવાન નગરચર્યા પર નીકળશે,પાલનપુરમાં અષાઢી બીજ નિમિત્તે 53 મી રથયાત્રા યોજાનાર છે. જેમાં પાલનપુરમાં ભગવાન જગન્નાથજીનું મોસાળું ભરાયું હતું. પાલનપુરના સુખડીયા પરિવારે ભગવાન જગન્નાથજીનું રૂ.4.51 લાખનું મામેરું ભર્યું હતું. બાદમાં રંગેચંગે ભગવાન જગન્નાથ નિજ મંદિરે પરત ફર્યા હતા.

પાલનપુરમાં છેલ્લા 52 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે. જોકે, 53 મી રથયાત્રા ટાણે પાલનપુરમાં ત્રીજીવાર મોસાળું ભરાયું હતું. જેમાં પાલનપુરના જાણીતા સુખડીયા પરિવારના ત્યાં મોસાળમાં ભગવાન જગન્નાથજી પધાર્યા હતા. જ્યાં બે દિવસના ધાર્મિક કાર્યક્રમો બાદ આજે ભગવાનનું મોસાળું ભરાયું હતું. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, નગરપાલિકા પ્રમુખ ચીમન લાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજી દેસાઈ, શહેર ભાજપના હોદ્દેદારો સહિત શહેરના અગ્રણીઓએ ઉપસ્થિત રહી ભગવાનના દર્શન કર્યા હતા.

ભાવવિભોર બન્યો સુખડીયા પરિવાર: ભગવાનના મોસાળામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના વાઘા, આભૂષણ સહિતની સામગ્રી અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે મહંત 1008 વાસુદેવાચાર્ય જગતગુરુ પધાર્યા હતા. જેમનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. તેમજ સુખડીયા પરિવાર દ્વારા પણ ભારે ઉત્સાહ વચ્ચે રૂ.4.51 લાખનુ મામેરુ ભરવામાં આવ્યું હતું. ભગવાન સ્વયં ત્રણ દિવસ પોતાના ઘેર રહ્યા અને તેઓનું મામેરું ભરવાનો રૂડો અવસર મળતા સુખડીયા પરિવાર ના ભરતભાઇ, જીતુભાઇ અને પ્રણવભાઈ સુખડીયાના પરિવાર જનો ભાવવિભોર બન્યા હતા.

આવનારા 4 મોસાળાનું એડવાન્સ બુકીંગ: પાલનપુરમાં રામ સેવા સમિતિ તથા સમસ્ત હિંદુ સંગઠનો દ્વારા  ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા રવિવારે રામજી મંદિરના મહંત રાઘવદાસજી બાપુની આગેવાનીમાં  નીકળવાની છે.  ત્યારે આજે પાલનપુરના પારપડા રોડ પર આવેલ જ્યોતીન્દ્ર સોસાયટીમાં રહેતા સુખડીયા પરિવારના નિવાસસ્થાનેથી મોસાળું ભરાયા બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે વાજતે ગાજતે નિજ મંદિર ખાતે પરત ફર્યા હતા. જોકે, આગામી ચાર વર્ષ માટે કોના ત્યાં મોસાળુ ભરાશે તે પણ એડવાન્સમાં બુકિંગ થઈ ગયું હતું. જેમાં વર્ષ 2025માં ગીરીશભાઈ ઠક્કર, 2026 શિવરામભાઈ પટેલ, 2027 માં ખંડેલવાલ પરીવાર અને 2028 માં મીઠાઈ ફરસાણ એસોસિએશન દ્વારા ભગવાન જગન્નાથનું મોસાળુ ભરવામાં આવશે તેવી જાહેરાતને ઉપસ્થિત ભાવિક ભક્તોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લેતા વાતાવરણ ભગવાન જગન્નાથમય બની ગયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.