પાલનપુરમાં શ્રાવણ માસના પ્રારંભ સાથે શિવાલયો ૐ નમ: શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા
શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉમટયુ શિવભક્તોનું ઘોડાપુર: પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થયો છે. શ્રાવણ માસના પ્રારંભ સાથે જ પાલનપુર પંથકના શિવાલયો “હર હર મહાદેવ”ના નાદથી ગુંજી ઉઠ્યા છે. પાલનપુર ના ઐતિહાસિક શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તોની ભીડ જામી હતી.
શ્રાવણ માસએ દેવાધિદેવ મહાદેવની શિવ- આરાધના કરવાનો માસ છે. પાલનપુરના પ્રાચીન શ્રી પાતાળેશ્વર મંદિર ખાતે સવારથી જ શિવભક્તો ઉમટી પડ્યા હતા. જેઓએ ભગવાન શિવજીને જળાભિષેક કરી બીલીપત્ર ચડાવી વિશેષ પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. પાટણ નરેશ સિદ્ધરાજ જયસિંહના જન્મસ્થળ મનાતા શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર શિવભક્તો માટે અનેરી આસ્થાનું કેન્દ્ર છે. શ્રાવણ ના પ્રારંભ સાથે ૐ નમઃ શિવાય નો નાદ ગુંજી ઉઠ્યો હતો. 72 વર્ષ બાદ સોમવારથી શરૂ થતા શ્રાવણ માસમાં 5 સોમવાર આવતા હોઇ શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અહીં દર સોમવારે દેવાધિદેવ મહાદેવને વિવિધ શણગાર કરવામાં આવશે તેવું મંદિરના પૂજારી જગદિશભાઈ એ જણાવ્યું હતું.
શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં તો ભક્તિનું ઘોડાપુર ઉમટે છે. શિવભક્તો ત્રિ-દલિય બીલીપત્ર ચડાવી ભગવાન ભોલેનાથને રિઝવવા વિશેષ પ્રાર્થના-આરાધના કરે છે. ભગવાન શ્રી પાતાળેશ્વર મહાદેવ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન ભોલેનાથ પરની અનન્ય શ્રદ્ધાને પગલે છેક અમદાવાદથી ભીખુભાઇ નામના એક શિવ ભક્ત છેલ્લા 53 વર્ષથી શ્રાવણ માસમાં બીલીપત્ર ચડાવવા આવે છે.
આમ, પવિત્ર શ્રાવણ માસના શુભારંભ સાથે જ ભોલે ભંડારીના ભક્તો શિવલિન થતા પાલનપુર પંથકના શિવાલયો “ૐ નમઃ શિવાય”ના નાદથી ગુંજી ઉઠ્યા હતા.