પાલનપુરમાં ગાયો રાહદારીઓ પાછળ દોડે છે, કોઈનો જીવ લે પહેલાં પાંજરામાં પુરો
પાલનપુરમાં એક બાદ એક વિસ્તારમાં ગાયોનો આતંક વધી રહ્યો છે.ત્યારે ગણેશપુરા ઉમિયાનગર વિસ્તારમાં રખડતી ગાયો લોકો પાછળ દોડે છે જેના કારણે રાહદારીઓ તેમજ સ્થાનિક લોકો દોડીને ભાગી જાય છે. સ્થાનિક લોકોએ અવારનવાર પાલિકાને રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર ત્યાં જતું નથી તેના કારણે સ્થાનિકો રોષે ભરાયા છે.
પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં અવારનવાર ગાયોનો તેમજ આખલાઓનો આતંક વધી રહ્યો છે. જ્યાં છેલ્લા ચાર દિવસથી રખડતી ગાયો રાહદારીઓ તેમજ બાઇક સવારોને અડફેટે લે છે તેમ છતાં પાલિકા તંત્ર હજુ મૂક પ્રેક્ષક બની બેસી રહી છે.
જ્યાં ચાર દિવસ અગાઉ એક વૃધ્ધનું મોત નિપજયું હતું તેમજ એક બાઇક સવારને અડફેટે લેતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.તેમજ નગરપાલિકાના ગણેશપુરા ઉમિયાનગર વિસ્તારમાં બે દિવસથી રખડતી ગાયો તોફાને ચઢી છે. જ્યાં ત્યાંથી પસાર થતા રાહદારીઓ તેમજ સ્થાનિક લોકો પાછળ રખડતી ગાયો પાછળ દોડે છે તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી જેને લઇ સ્થાનિક લોકો રોષે ભરાયા છે.