પાલનપુરમાં વરસાદથી શહેરના માર્ગો ધોવાયાં
પાલનપુરમાં ચોમાસામાં પડેલા વરસાદમાં જ માર્ગો એવા છે કે જ્યાં અગાઉ કરેલા પેચવર્ક ઉપરથી ડામર કે સિમેન્ટમાંથી કાંકરીઓ ઉખડી ગઇ છે. અને ખાડા પડવાના શરૂ થઈ ગયા છે. ચોમાસાનો ખરો વરસાદ તો હવે પડવાનો છે. ત્યારે જો નગરપાલિકા દ્વારા આ ખાડાઓમાં ડામરનું લેયર નહી કરવામાં આવે તો ખાડા મોટા થશે. જે વાહન ચાલકો માટે અકસ્માતનું કારણ બની જશે.પાલનપુરમાં નગરપાલિકા દ્વારા મુખ્યમાર્ગો નવા બનાવવામાં આવ્યા છે. જ્યારે આંતરિક માર્ગો ઉપર રથયાત્રા અગાઉ પેચવર્ક કરી કાંકરી પાથરવામાં આવી હતી. જોકે, બીપરજોય વાવાઝોડાના ભારે વરસાદ પછી ચોમાસાના આગમનનો વરસાદ શરૂ થયો છે. જેના કારણે શહેરના 15 જેટલા માર્ગો એવા છે કે, અગાઉનું પેચવર્ક અને સિમેન્ટની કાંકરીઓ ધોવાઇ ગઇ હોવાથી પુન: ખાડા ઉંઘાડા થઇ ગયા છે. કેટલાક માર્ગો ઉપર નવેસરથી કાંકરીઓ ઉખડવા લાગી છે. બીજી તરફ ચોમાસાનો ખરો વરસાદ તો હવે પડશે. ત્યારે જો નગરપાલિકા દ્વારા આ માર્ગોના ખાડાઓ ઉપર ડામરની લેયર નહી કરવામાં આવે તો ખાડા મોટા થશે. ત્યારે આવી સ્થિતિનું નિર્માણ થાય તે પહેલા નગરપાલિકા દ્વારા માર્ગોના આ ખાડાઓ ઉપર ડામર કે સિમેન્ટનું લેયર કરવામાં આવે તે જરૂરી છે.