પાલનપુરમાં અસામાજિક તત્વો બન્યા બેલગામ, તાજપુરામાં યુવકને માર મારી મોબાઈલ લૂંટી લેવાયો
સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ: પાલનપુરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી જતી પરિસ્થિતિ વચ્ચે આસમાજિક તત્વો માથું ઊંચકી રહ્યા હોવાની રાવ ઉઠી છે. જેની પ્રતીતિ કરાવતી ઘટનામાં તાજપુરામાં ટુ વ્હીલર પર જઈ રહેલા યુવકને ભોંય પટકી માર મારી તેની પાસે રહેલો રૂ.32,999નો મોબાઈલ લૂંટી લઈ ચાર શખ્સો ફરાર થઇ ગયા હતા. જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
પાલનપુરના તાજપુરા આદર્શ નગર સોસાયટીમાં રહેતા મૂળ જગાણાના 46 વર્ષીય સુભાષ કુમાર પ્રભુદાસ બારોટ બાળકોને ટ્યુશન ભણાવે છે. તેઓ ગત 25 જુલાઈના રોજ સવારે પોણા 6 વાગે પોતાનું એક્ટિવા લઈ જગાણા જવા નીકળ્યા હતા. દરમિયાન, મન મંદિર સ્કુલ આગળ ચારેક ઇસમોને ક્રોસ કરી આગળ જતાં એક ઇસમે તેઓને ધક્કો મારતા તેઓ એક્ટિવા સાથે ભોંય પટકાયા હતા. ત્યારે ચારે ઈસમોએ ભેગા મળી તેઓને માર મારી તેઓની પાસે રહેલો રૂ.32,999 ની કિંમતનો વિઓ કંપનીનો મોબાઈલ લૂંટી ફરાર થઇ ગયા હતા. જોકે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. દરમિયાન, પીડિત સુભાષભાઈ બારોટની ફરિયાદને આધારે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.