
થરાદના મડાલ ગામે પરિણીતાએ લીમડાના ઝાડ સાથે ગળે ફાંસો ખાધો
(રખેવાળ ન્યૂઝ)થરાદ, પોલીસસુત્રોએ જણાવ્યું હતું કે થરાદ તાલુકાના અનુપજી ગેમરાજી કારેચા (ઠાકોર)ની ૨૦ વર્ષની પુત્રી નિરમાના લગ્ન તાલુકાના મડાલ ગામના ઉત્તમજી નવાજી ઠાકોર સાથે તારીખ ૨૬ ૫ ૨૦૨૨ ના રોજ (ગત અખાત્રીજે) થયાં હતા. લગ્ન બાદ તેણી પિયર આવતા પતિનો ત્રાસ હોવાની વાત કરી હતી.
જોકે બધુ સારું થશે તેવું આશ્વાસન આપી પરિવારે તેણીને સાસરે મોકલી હતી. જેની વચ્ચે તેણીએ રવિવારે પોતાના ખેતરમાં રાયડાના વાવેતર કરેલા ખેતરમાં લીમડાના ઝાડ સાથે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે રાતે તેણીના સસરા નવાજીએ તેણીના પિયરમાં ટેલીફોનથી વાત કરી હતી.
આથી દોડી ગયેલા પિતા સહિત માણસોએ મૃતદેહને પીએમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તેમજ મૃતકના પિતાએ થરાદ પોલીસ મથકમાં પોતાની પુત્રીને તેનો પતિ તું મને ગમતી નથી,હું બીજી લાવવાનો છું,તને કાઢી મુકીશ તને મારા ઘરે રહેવા નહીં દઉં તેવો શારીરિક માનસિક ત્રાસ આપી મરવા માટે મજબૂર કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે તેણીના પતિ સામે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.બનાવને પગલે પંથકમાં અરેરાટી સાથે ચકચારની લાગણી પ્રસરી જવા પામી હતી.