લાખણી તાલુકામાં ફરી સાંબેલાધાર વરસાદ ખાબક્યો દુકાનોમાં ફરી પાણી ભરાઈ જતાં દુકાનદારો અને ગ્રાહકોને હાલાકી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના લાખણી સહિત અનેક વિસ્તારોમાં આજે બુધવારની વહેલી સવારે મેઘરાજા મહેરબાન થતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. લાખણી પંથકમાં વરસાદના ધમાકેદાર બીજા રાઉન્ડમાં રોડ રસ્તા બજાર અને ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પાણી ભરાયાં હતાં. ધોધમાર વરસાદના પગલે લાખણી મેઈન બજારમાં ઢીંચણ સમાં પાણી ભરાઈ જતાં દુકાનદારો અને ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
ગેળા રોડ ઉપર નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ જતાં દુકાનદારોને ફરી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો, જેના કારણે દુકાનદારો અને ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે પાણી ભરાવાથી ગંદકી અને મસ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. જેના કારણે રોગચાળો પણ ફેલાવાની શક્યતા વધી જાય છે જેથી દુકાનદારોને હાલાકી સાથે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે છે.
જેનાથી પરેશાન થયેલા સ્થાનિક દુકાનદારો દ્વારા ગ્રામ પંચાયત અને જવાબદાર તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી.મામલતદાર નીચાણવાળા ભાગોમાં પાણી ભરાય એમ કહી હાથ અધ્ધર કરી દેતા અને વહીવટદાર પણ કંઈ સાંભળતા નથી.તેવો બળાપો સ્થાનિક લોકોએ ઠાલવ્યો હતો.
Tags Banaskantha heavy rains Lakhni