લાખણીમાં દિવાળી ખરીદી અર્થે લોકો ઉમટી પડતા ટ્રાફિકજામ પોલીસની ગેરહાજરી ચર્ચાના ચગડોળે
બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક લાખણીમાં છેલ્લી ઘડીએ દિવાળીની ખરીદી અર્થે જનમેદની ઉમટી પડતા ઠેરઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
કાળઝાળ મોંઘવારી વચ્ચે લોકોની ખરીદ શક્તિ ઘટી ગઈ છે પણ લાખેણા દિવાળીના પર્વ નિમિત્તે છેલ્લી ઘડીએ લોકોએ ગજા પ્રમાણે ખરીદી શરૂ કરી છે. જેમાં લાખણી ખાતે આજુબાજુના ગામોની જનમેદનીના ટોળેટોળા ઉમટી પડતા બજારમાં રોનક જોવા મળી હતી.કરીયાણાથી માંડી કાપડ અને ફટાકડાની દુકાનો આગળ પણ ભીડ જોવા મળી હતી.ભારે ભીડને લઈ ઠેરઠેર ટ્રાફીક ચક્કાજામ થતા લોકો ટ્રાફીકમાં અટવાયા હતા.
ટ્રાફિકના પગલે ક્યાંક બોલાચાલી તો ક્યાંક નાના અકસ્માત પણ સર્જાયા હતા.તેમછતાં પોલીસની ગેરહાજરી ચર્ચાના ચગડોળે ચડી હતી.ટ્રાફીકમાં અટવાયેલા લોકોએ પોલીસ દિવાળી ઉઘરાવવામાં વ્યસ્ત હોવાનો બળાપો ઠાલવ્યો હતો.જેમાં બાળકો સાથે ખરીદી અર્થે આવેલા લોકો ટ્રાફીકમાં હેરાન પરેશાન થઈ ગયા હતા.