
જુનાડીસામાં મોટા પુત્રએ પિતાના એકાઉન્ટમાંથી ઓનલાઇન રૂ. 26.92 લાખ ટ્રાન્સફર કરી લીધા
જુનાડીસામાં નિવૃત પિતાને મળેલા પેન્શન, ગ્રેજ્યુટીના રૂપિયા 26.92 લાખ એટીએમમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં મોટા પુત્રએ સેરવી લીધા હતા. પોતાની સાથે થયેલી છેતરપીંડી અંગે કહેવા જતાં પુત્રએ જાનથી મારી નાંખવાની ધમકી આપી ઘરમાંથી હાંકી કાઢ્યા હતા. આ અંગે તેમણે પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી.
જુનાડીસા શુભમંગળ સોસાયટીમાં રહેતા કાન્તિભાઇ ગમાનભાઇ માજીરાણા ડીસાના લોરવાડા ગામે રેલવે ટ્રેક મેઇન્ટેનર તરીકે ફરજ બજાવી નિવૃત થયા હતા. અને મોટા પુત્ર મહેશ સાથે રહેતા હતા. જે તેમના બેંકના તમામ કાગળો સહિતની લેવડ- દેવડ કરતો હતો. જેણે કાન્તિભાઇનું એટીએમ લઇ તેમનો ગુપ્ત નંબર લીધો હતો. અને પોતાનું યુ. પી. આઇ. આડી બનાવી ટુકડે ટુકડે રૂપિયા 26,92,227 તારીખ 5 જાન્યુઆરી 21 થી 14 મે 2022 દરમિયાન ટ્રાન્સફર કરી દીધા હતા.
આ અંગે મહેશને કહેવા જતાં તેણે જો આ પૈસા બાબતે કોઇને જાણ કરશો તો જાનથી મારી નાંખીશ તેમ કહી ઘરમાંથી હાંકી કાઢ્યા હતા. આ અંગે કાન્તિભાઇએ પોતાના પુત્ર સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ મહેશ માજીરાણાએ પિતા સાથે છેતરપીંડી કરી તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી ઘરમાંથી હાંકી કાઢ્યા હતા. આથી કાન્તિભાઇ ઘરડા ઘડપણે પત્નિ અને નાના પુત્ર સાથે ભાડાના મકાનમાં રહેવા મજબુર બન્યા છે.