
દાંતામાં આઝાદ ચોકથી બસ સ્ટેન્ડ સુધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યની સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે . આ સ્વચ્છતા અભિયાનમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક જોડાઇને જેસીબી દ્વારા પોતાના ગામમાં નડતરરૂપ બાવળોને દૂર કરવાની તેમજ ગામના મુખ્ય રસ્તા અને શેરીઓને સ્વચ્છ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.જે અંતર્ગત દાંતામાં તાલુકા વિકાસ અધિકારી અને તમામ સ્ટાફ દ્વારા આઝાદ ચોકથી બસ સ્ટેન્ડ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જાહેર જગ્યાઓ, ચોક, ચબૂતરા, રોડ રસ્તા સહિતના સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી હતી. જેમાં ગામલોકો પણ સ્વેચ્છાએ જોડાયા હતા અને પોતાના ગામ, શેરી મહોલ્લાને સાફ રાખવાનો સંકલ્પ કર્યો હતો.
લોકો સ્વચ્છતાના આગ્રહી બનીને પોતાના ગામ, નગરને સ્વચ્છ રાખે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનને વેગ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે મહિના સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવાનો નિર્ણય લેતાં આજે ગામે ગામ સ્વચ્છતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં લોકો પણ સ્વયંભૂ જોડાઇને સ્વચ્છતાનું પવિત્ર કામ કરી રહ્યા છે. આ અભિયાનથી લોકોમાં સ્વચ્છતા પ્રત્યે ખુબ સારી જાગૃતિ આવી છે.