શિવ મહાપુરાણ કથાની પૂર્ણાહુતિમાં : આસોદર ખાતે તિરંગા યાત્રા યોજાઈ
ભારત ભરમાં શિવભકતો દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ કથાઓ યોજાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના આસોદર ખાતે શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ પૂજ્ય ગુરૂદેવ રેવાપુરીજી મહારાજના સાનિધ્યમાં અને શ્રી ૧૦૦૮ શંભુગીરી દાદાની તપોભૂમિમાં આસોદર ધામ ખાતે પવિત્ર શ્રાવણ માસમાં શ્રી શિવ મહાપુરાણ કથાની પૂર્ણાહુતિમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિતિ રહ્યા હતા.
શંકરભાઈ ચૌધરીએ આ કથામાં સહભાગી થઈ ભગવાનની ભક્તિ સાથે દેશભક્તિ પણ મનાવી હતી. અધ્યક્ષએ કથામાં હાજર સૌ ભક્તોને ભારતના રાષ્ટ્રધ્વજનું વિતરણ કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આસોદર ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાન થી ગુજરાતભરમાં “હર ઘર તિરંગા” અભિયાન સાથે સમગ્ર રાજ્યના નાગરિકો જોડાયા છે. ત્યારે આસોદર ગામે તિરંગા યાત્રામાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે શિવભક્તો, યુવાઓ, પ્રબુદ્ધ નાગરિકો, મહિલાઓ, સહિતના લોકો જોડાયા હતા. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની તિરંગા યાત્રામાં ઉપસ્થિતિ થી વાતાવરણ ઉર્મીવાન બન્યું હતું. તિરંગા યાત્રા દરમિયાન વંદે માતરમ્, ભારત માતા કી જયના જયઘોષથી સમગ્ર વાતાવરણ શિવભક્તિ સાથે રાષ્ટ્રભક્તિના નાદ થી ગુંજી ઉઠ્યું હતું.