બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક વરસાદી ઝાપટા થી રાહત તો ક્યાંક બાફથી ઉકળાટ
વહેલી સવારે ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટું થયું તો જિલ્લાના અનેક વિસ્તારો વરસાદથી વંચિત: છેલ્લા કેટલાક દિવસોથી આકાશમાં વાદળો ગોરંભાયેલા છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો નથી. બીજી તરફ છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે જેમાં ગુરુવાર ની વહેલી સવારે ડીસા તાલુકાના ગામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ થયો હતો. છુટા છવાયા સ્થળો પર સામાન્ય વરસાદી ઝાપટા બાદ જિલ્લાના અન્ય વિસ્તારો કોરાધાકોર રહ્યા હતા જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં ગુરૂવાર ના દિવસભર અસહ્ય બાફ અને ઉકળાટનો લોકોએ અનુભવ કર્યો હતો.
એક તરફ વહેલી સવારે આકાશ ગોરંભાયેલુ રહેતા વીજ કડાકા પણ થઈ રહ્યા હોવા છતાં વરસાદ હાથતાળી આપી જતો રહ્યો.જ્યારે જિલ્લાના ડીસા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળો પર વરસાદ જોવા મળ્યો હતો. દિવસભર આકાશ કાળાં ડિકાંગ વાદળોથી ગોરંભાયુ હતું પરંતુ સાંજ સુધી વરસાદ થયો ન હતો. બીજી તરફ ઉકળાટ વચ્ચે પ્રજાજનો ને પણ પરેશાની ભોગવવી પડી છે જુલાઈ મહિનાના બીજા અઠવાડિયા સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં નોંધપાત્ર વરસાદ થયો નથી ત્યારે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે ત્યારે હવે હવામાન નિષ્ણાતોના મતે આગામી ૧૭ જુલાઈ આસપાસ શરૂ થનાર વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની શક્યતાઓ રહેલી છે.
ડીસા તાલુકાના વડાવળ કુપટ માલગઢ સહિત ના ગામો માં વહેલી સવારથી વરસાદ: બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા હળવા થી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે જેને લઇને ડીસા તાલુકાના વડાવળ કુપટ માલગઢ સહિત કેટલાક વિસ્તારોમાં સવારે 8.30 કલાક થી વરસાદ શરૂ થયો હતો અને જોરદાર વરસાદ થતાં ઠેરઠેર રસ્તાઓ સહિત ખેતરો પણ પાણી ભરાયા હતા.
વાતાવરણમાં 89 ટકા ભેજનું પ્રમાણ ને લઇ લોકો પરવેશે રેબઝેબ થઇ ઉઠ્યા : બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક વરસાદી ઝાપટા થી લોકોને રાહત મળી હતી તો ક્યાંક બાફ ના ઉકળાટ થી પ્રજાજનો ને ભારે પરેશાની ભોગવી પડી રહી છે ત્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 89 ટકા જેટલું રહેતા લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતા હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળો પર હળવા થી મધ્યમ વરસાદ યથાવત રહેવા ની શક્યતાઓ દર્શાવી છે.