બનાસકાંઠા જિલ્લામાં શાકભાજીના ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
બનાસકાંઠા જિલ્લામાં બીપોરજોય વાવાઝોડાં સાથે ભારે વરસાદ થતાં ખેતીને તો વ્યાપક નુકસાન થયું જ છે. પરંતુ શાકભાજીને પણ નુકસાન થતા શાકભાજીની આવક ઘટી છે. શાક ભાજીના ઉત્પાદનમાં ઘટાડો થતા તેની અસર શાકભાજીના ભાવ વધારા પર વર્તાઈ છે. પાલનપુરમાં હાલ શાક ભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. જેમાં રિટેલ બજારમાં ટામેટા, ગવાર, ગિલોડી, ફુલાવર, રિંગણ, આદુ, મરચા, કોથમી સહિતના લીલા શાકભાજીના ભાવો આસમાનને આંબી રહ્યા છે. વિવિધ શાકભાજીના પાકને નુકસાન થતા શાકભાજીની અછત વર્તાઈ રહી છે. જેથી ભાવ વધતા ઘરાકી પણ ઓછી જોવા મળી રહી હોવાનું
સોમાભાઈ માળી નામના વેપારીએ જણાવ્યું હતું.
જોકે, શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓ શાકભાજી ખરીદતા પહેલા સો વાર વિચાર કરી રહી છે. શાકભાજી ના વધતા જતા ભાવને લઈને ગૃહિણી ઓનું બજેટ પણ ખોરવાયું હોવાનું આશાબેન નામના ગૃહિણીએ જણાવ્યું હતું.
જોકે,વધતી જતી મોંઘવારી વચ્ચે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોમાં શાકભાજીના ભાવ વધારા થી રસોઈની થાળી ફિક્કી બની છે. ત્યારે સામાન્ય માણસ માટે જીવન જીવવું દુષ્કર બન્યું હોવાનું ગીરીશભાઈ પટેલ નામના ગ્રાહકે જણાવ્યું હતું. ત્યારે હજી પંદરેક દિવસ સુધી નવી શાકભાજી માર્કેટમાં નહિ આવે ત્યાં સુધી ભાવ ઘટશે નહિ તેવા અણસાર મળી રહ્યા છે.